
જામનગર, 25 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક આરોપી દંપતી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જે ફરિયાદ મુજબ, 23 જુલાઈ 2026ના રોજ સાંજે અંદાજે 5:30 વાગ્યે ગરીબનગર પાણાખાણ, બેડેશ્વર ઇમામખાના પાછળ વિસ્તારમાં ફરિયાદી આઇશાબેન કાદરભાઇ માણેકના પુત્ર અલીઅકબર સાયકલ ચલાવી રહ્યો હતો. તે દરમિયાન આરોપી અસગર પલેજાએ બાળકને સાયકલ ચલાવવાની ના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો.
બાદમાં ફરિયાદી સમજાવવા જતા આરોપી અસગર પલેજા સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. તે દરમિયાન આરોપી સિરીન અસગર પલેજા પણ ત્યાં આવી ફરિયાદીને અપશબ્દો બોલ્યા હતા. ફરિયાદીએ વિરોધ કરતાં સિરીન પલેજાએ ફરિયાદીને માર માર્યો હતો. ત્યારબાદ અસગર પલેજાએ પોતાના ઘરેથી લાકડાનો ધોકો લાવી ફરિયાદીના માથાના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી હતી. બંને આરોપીઓએ પરસ્પર મદદગારી કરીને હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ ઉપરાંત આરોપીઓએ અમલમાં રહેલા હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું પણ નોંધાયું છે.આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અસગર પલેજા અને સિરીન અસગર પલેજા સામે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt