


પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની પ્રથમ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાનારા વિવિધ પ્રકલ્પો, પ્રવાસન સ્થળોએ સુવિધાઓના વિસ્તરણ, આધારભૂત માળખાના વિકાસ તથા ભવિષ્યની કાર્યયોજનાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લો ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને કુદરતી વારસાથી સમૃદ્ધ હોવાથી તેને રાજ્યના અગ્રણી પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની પૂરતી સંભાવનાઓ છે. તેમણે વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સાધી વિકાસ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.
મંત્રીએ માધવપુર બીચ ખાતે પાર્કિંગ સહિતની આવશ્યક સુવિધાઓ વિકસાવવા તેમજ વિંધ્યવાસિની માતાજી મંદિર સહિતના મંદિરોની જગ્યામાં પ્રવાસન ડેવલપમેન્ટના વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. અને પોરાય માતાજી મંદિર અને સુદામા મંદિર ડેવલપમેન્ટ પ્લાન અને જિલ્લામાં પ્રવાસન વિકાસને વધુ વેગ મળે તે માટે વિકાસ કાર્યોના આયોજન માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું
બેઠક દરમિયાન સુદામા મંદિર , પોરાઈ માતા મંદિર, શ્રીનાથજી મંદિર, ફટાણા તરીકે વિકસાવવાની યોજના તેમજ સર્વોદય વન ખાતે ફૂડ પાર્ક સહિત અગાઉ મંજૂર થયેલા વિવિધ પ્રોજેક્ટોની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રવાસન સમિતિના સ્થાને રચાયેલી પોરબંદર જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની રચના, કામગીરી અને જવાબદારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સોસાયટી જિલ્લાના પ્રવાસન વિકાસ માટે આયોજન તૈયાર કરવું, પ્રવાસન સ્થળોની ઓળખ, સંરક્ષણ અને વિકાસ, પ્રવાસીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કુદરતી વારસાનું સંવર્ધન કરવું તેમજ જિલ્લાના પ્રવાસનનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવાના કાર્યો કરશે.
સાથે જ રાજ્ય સરકાર અને ગુજરાત પ્રવાસન નિગમ સાથે સંકલન દ્વારા પ્રવાસન યોજનાઓનો અસરકારક અમલ, ખાનગી ક્ષેત્ર અને સ્થાનિક સંસ્થાઓની ભાગીદારી વધારવા તેમજ પ્રવાસનને રોજગાર સર્જન અને જિલ્લાના આર્થિક વિકાસના સશક્ત માધ્યમ તરીકે વિકસાવવાના ઉદ્દેશ્યો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા વિવિધ વિભાગોના અધિકારીઓ તથા પોરબંદર જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya