
જામનગર, 25 જુલાઈ (હિ.સ.) :જામનગર શહેરમાં તળાવની પાળ પર શુક્રવારે રાત્રે આશરે દસ વાગ્યાના અરસામાં એક કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની સાઇડમાં ઊભેલી પોપકોર્નની લારી સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં લારીને ભારે નુકસાન પહોંચ્યું હતું અને અંદર રહેલા પોપકોર્નના ડબ્બા, મશીન તેમજ કાચની કેબિન સહિતનો સામાન વેરવિખેર થઈ જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, જી.જે. 10 એ.પી. 1875 નંબરની કારના ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર સીધી રસ્તાની બાજુમાં ઊભેલી લારી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે લારી રસ્તા પર ઊંધી વળી ગઈ હતી અને તેમાં રહેલો સામાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
અકસ્માતને પગલે તળાવની પાળ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકત્ર થઈ જતાં થોડા સમય માટે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બનાવ અંગે જાણ થતાં સીટી એ. ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિકને પૂર્વવત્ કરાવી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોપકોર્નની લારીને નોંધપાત્ર નુકસાન પહોંચતાં વેપારીને આર્થિક ફટકો પડ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt