શ્રી સતુઆબાબા આશ્રમ પાલિતાણામાં, 183મા નેત્રયજ્ઞનું આયોજન, 237 દર્દીઓની આંખોની તપાસ
ભાવનગર, 26 જુલાઈ (હિ.સ.)પાલિતાણા સ્થિત શ્રી કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા દ્વારા શ્રી સતુઆબાબા આશ્રમ ખાતે 183મા નેત્રયજ્ઞનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સુદર્શન નેત્રાલયના સહયોગથી યોજાયેલા આ આરોગ્યલક્ષી સેવાયજ્ઞમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લઈ
આરોગ્ય કેમ્પ યોજાયો


ભાવનગર, 26 જુલાઈ (હિ.સ.)પાલિતાણા સ્થિત શ્રી કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા દ્વારા શ્રી સતુઆબાબા આશ્રમ ખાતે 183મા નેત્રયજ્ઞનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સુદર્શન નેત્રાલયના સહયોગથી યોજાયેલા આ આરોગ્યલક્ષી સેવાયજ્ઞમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લઈ આંખોની તપાસ અને નિદાનનો લાભ મેળવ્યો હતો. વરસાદી વાતાવરણ છતાં દર્દીઓમાં ઉત્સાહ જોવા મળ્યો અને સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો.

સંસ્થાના પ્રમુખ ગિરીશભાઈ ગોધાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા, આ નેત્રયજ્ઞમાં કુલ 237 નવા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોતીયા તેમજ અન્ય ગંભીર આંખના રોગોથી પીડાતા 113 દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી, જેમની આગામી સમયમાં નિઃશુલ્ક શસ્ત્રક્રિયા કરવામાં આવશે. ઉપરાંત અગાઉ સારવાર મેળવી ચૂકેલા 124 જેટલા દર્દીઓનું ફોલોઅપ ચેકઅપ અને જરૂરી નિદાન પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન શ્રી સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે, સંસ્થાના વડા ચંદકાંતભાઈ વંકાણી તથા સેવાભાવી કાર્યકર્તાઓએ દર્દીઓ માટે નોંધણી, બેઠક વ્યવસ્થા, ભોજન, માર્ગદર્શન અને અન્ય તમામ સુવિધાઓમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. સુદર્શન નેત્રાલયના તબીબો અને સ્ટાફે પણ નિષ્ઠાપૂર્વક સેવા આપી દર્દીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું.

દર મહિનાના છેલ્લા રવિવારે નિયમિત યોજાતા આ નેત્રયજ્ઞથી, પાલિતાણા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના અનેક જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર નિદાન અને સારવારનો લાભ મળી રહ્યો છે. આ પ્રકારના સેવાકીય આરોગ્ય ઉપક્રમો સમાજમાં આરોગ્ય જાગૃતિ વધારવા અને જરૂરિયાતમંદોને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande