

સુરત, 26 જુલાઈ (હિ.સ.)-દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદને કારણે નવસારી અને વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરી અને કિંમતી સામાનને ભારે નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા મોટા પાયે રાહત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલયથી અનાજ તથા અન્ય જીવનજરૂરી રાહત સામગ્રીથી ભરેલી ગાડીઓને નવસારી અને વલસાડ માટે રવાના કરવામાં આવી હતી.
ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે રવિવારે જણાવ્યું હતું કે, ગઈકાલે મોડી રાત્રે ચાર ગાડીઓ રાહત સામગ્રી સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી હતી, જ્યારે આજે વધુ ત્રણ ગાડીઓ રવાના કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઉમરગામ, પારડી, વાપી, વલસાડ અને નવસારી સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્ત પરિવારોની સમસ્યાઓ જાણી તેમજ રાહત કાર્યમાં જોડાયેલા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો.
15 હજાર રાશન કિટ અને 5 હજાર ધાબળાનું આયોજન ભાજપ દ્વારા સુરત મહાનગરમાંથી 15 હજાર રાશન કિટ તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે. દરેક 15 કિલોની કિટમાં, રસોડાની તમામ આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી 3,500 રાશન કિટ તૈયાર કરીને રવાના કરવામાં આવી છે, જેમાં 2,500 કિટ વલસાડ અને 1,100 કિટ નવસારી માટે મોકલવામાં આવી છે.
આ ઉપરાંત બંને જિલ્લાઓમાં 5 હજાર ધાબળા, તાડપત્રી અને કપડાં પણ મોકલવામાં આવી રહ્યા છે, જેથી અસરગ્રસ્ત પરિવારોને વરસાદ અને ઠંડીથી રાહત મળી રહે.
વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્ટુડન્ટ કિટ
પૂરના કારણે અનેક બાળકોના પુસ્તકો, નોટબુક અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરાબ થઈ ગઈ છે. બાળકોનો અભ્યાસ ખોરવાય નહીં તે માટે ભાજપ દ્વારા વિશેષ સ્ટુડન્ટ કિટ તૈયાર કરીને નવસારી અને વલસાડમાં મોકલવામાં આવી રહી છે. તેમાં નોટબુક, ચોપડાં અને અન્ય શૈક્ષણિક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાહત કેમ્પોમાં ગરમ ભોજનની વ્યવસ્થા
જે વિસ્તારોમાં લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે અથવા સંપૂર્ણપણે બગડી ગઈ છે, ત્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સામૂહિક રસોડાં શરૂ કરીને અસરગ્રસ્ત લોકોને દિવસમાં બે વખત ગરમ ભોજન આપવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, શહેર મહામંત્રી કરસન ગોંડાલિયા, દુર્ગાપ્રસાદ પાંડે, વિરલ ગિલિતવાલા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે