
ભાવનગર, 26 જુલાઈ (હિ.સ.) : પર્યાવરણ સંરક્ષણ અને રેલવે પરિસરોને હરિયાળા બનાવવાના સતત પ્રયત્નોના ભાગરૂપે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા શનિવારે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ ભાવનગર પરા સ્થિત રેલવે કોલોનીમાં આવેલા 'નવા ટાઇપ-IV ક્વાર્ટર'ના પ્રવેશદ્વાર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક (DRM) દિનેશ વર્માએ મંડળના તમામ વરિષ્ઠ શાખા અધિકારીઓ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપ્યો.
વૃક્ષારોપણ દરમિયાન દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, વૃક્ષો આપણા પર્યાવરણનું સંતુલન જાળવવા તેમજ આવનારી પેઢીઓને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવા માટે અત્યંત જરૂરી છે. રેલવે પરિસરોને સ્વચ્છ, સુંદર અને હરિયાળા બનાવવું અમારી પ્રાથમિકતાઓમાંનું એક છે.
કાર્યક્રમ દરમિયાન છાયાદાર તેમજ ફળદ્રુપ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. ઉપસ્થિત તમામ અધિકારીઓએ આ રોપાઓની નિયમિત સંભાળ રાખવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો સંકલ્પ કર્યો. આ પહેલથી રેલવે કોલોની પરિસરની હરિયાળી અને સૌંદર્યમાં નોંધપાત્ર વધારો થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ