


પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો સરળતાથી ઉપલબ્ધ થાય, ખેતીમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળે અને ઉત્પાદન ક્ષમતા સાથે આવકમાં વધારો થાય તે હેતુથી બાગાયત વિભાગ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ મારફતે વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે.
આ અંતર્ગત પોરબંદર જિલ્લા બાગાયત વિભાગ દ્વારા રાણાવાવ અને કુતિયાણા તાલુકાના આઈ-ખેડૂત પોર્ટલ હેઠળ મંજૂરી મેળવનાર 100 થી વધુ ખેડૂતો માટે બાવળાવદર નજીક સામૂહિક વેરિફિકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન લાભાર્થી ખેડૂતોના મીની ટ્રેક્ટર સહિતના કૃષિ સાધનોનું સ્થળ પર જ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લાના નાયબ બાગાયત નિયામક કલ્પના પંચાલે જણાવ્યું હતું કે વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સહાયની રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે સામૂહિક વેરિફિકેશનથી મંજૂર થયેલા સાધનોની ચકાસણી ઝડપથી પૂર્ણ થતાં સહાયની રકમ સમયસર ખેડૂતો સુધી પહોંચાડવાની પ્રક્રિયા વધુ સરળ અને કાર્યક્ષમ બની છે.
ઉલ્લેખનીય છે કે કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ મીની ટ્રેક્ટર માટે રૂ. 75,000 સુધીની સહાય, કલ્ટિવેટર માટે રૂ. 10,000 સુધીની સહાય, રોટાવેટર માટે રૂ. 30,000 સુધીની સહાય તેમજ મીની ટ્રેલર અને મીની ટેન્કર માટે રૂ. 40,000સુધીની સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. અરજી મંજૂર થયા બાદ સાધનની ખરીદી અને વેરિફિકેશન પૂર્ણ થતાં સહાયની રકમ DBT મારફતે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
ખેડૂતોની વેરિફિકેશન પ્રક્રિયા ઝડપી, સરળ અને પારદર્શક બને તેમજ સહાયની રકમ સમયસર તેમના ખાતામાં પહોંચે તે હેતુથી નાયબ બાગાયત નિયામક કલ્પના પંચાલના માર્ગદર્શન હેઠળ આ સામૂહિક વેરિફિકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya