જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં પાક બચાવવા માટે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ
જામનગર, 26 જુલાઈ (હિ.સ.) : હાલની પરિસ્થિતિમાં જામનગર જિલ્લામાં અમુક તાલુકાઓને બાદ કરતા આજદિન સુધી વાવણીલાયક વરસાદ થયેલ નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને પાક બચાવવા અંગે કાળજી રાખવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જ
ખેડૂત


જામનગર, 26 જુલાઈ (હિ.સ.) : હાલની પરિસ્થિતિમાં જામનગર જિલ્લામાં અમુક તાલુકાઓને બાદ કરતા આજદિન સુધી વાવણીલાયક વરસાદ થયેલ નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને પાક બચાવવા અંગે કાળજી રાખવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં

જામનગર જિલ્લામાં ખૂબ જ ઓછી માત્રામાં આંતરપાકથી વાવેતર કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખતા મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકો સાથે મગ, મઠ, અડદ, તુવેર વગેરે જેવા પાકો વાવવામાં આવે, તો મુખ્ય પાક નિષ્ફળ જવાની ભીતિ સામે રક્ષણ મેળવી શકાય છે. જે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે અને પાક પાણીની ખેંચ અનુભવે છે, તેમને કટોકટીની અવસ્થાએ પાણી આપવામાં આવે તો પાક બચી શકે છે.

ઉદાહરણ તરીકે, મગફળીના પાકમાં ફૂલ બેસતી વખતે (૩૫-૪૦ દિવસે), સૂયા બેસતી વખતે (૫૫-૬૦ દિવસે) અને ડોડવા વિકાસ પામતી વખતે (૭૫ દિવસે) પિયત આપવાથી પાકને બચાવી શકાય છે. આ ઉપરાંત દિવેલા અને કપાસ જેવા પાકોમાં એકાંતરા પાટલે પિયત આપવાથી ૩૦% જેટલા પાણીની બચત થઈ શકે છે.

જે ખેડૂતો દ્વારા વાવણી થઈ ગઈ હોય, તેઓએ નીંદણ દૂર કરવા તેમજ જમીનમાં ભેજ જાળવી રાખવા માટે આંતરખેડ કરવી હિતાવહ છે. જો વાવેતર ઘાટું (ગીચ) થયેલ હોય તો યોગ્ય છંટણી કરવી હિતાવહ છે. જ્યાં સુધી જમીનમાં ભેજવાળી સ્થિતિ બને નહીં ત્યાં સુધી ઉપરથી નાખવાના રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળવો જોઈએ.

પાણીની ખેંચને લીધે છોડ સુકાવાની પરિસ્થિતિમાં ૨% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૨% યુરિયાના દ્રાવણનો (૧૫ લિટર પંપમાં ૩૦૦ ગ્રામ યુરિયા) સ્પ્રે કરી શકાય. યુરિયાનું પ્રમાણ વધે નહીં તેની ખાસ કાળજી રાખવી, નહીંતર પાન બળી જવાની શક્યતા રહે છે.

જે ખેડૂતો દ્વારા આજદિન સુધી વાવેતર કરવામાં આવેલ નથી, તે ખેડૂતો હવે પછી ઓછા સમયમાં પાકતા પાકો જેવા કે મગફળીની ઉભડી જાતો, તલ, મગ, અડદ, મઠ, સોયાબીન, ચોળા, બાજરી, ઘાસચારો વગેરે પાકોનું વાવેતર કરવુ જોઇએ.

આ માહિતી કૃષિ નિષ્ણાતો અને કૃષિ યુનિવર્સિટીની ભલામણો પર આધારિત છે. સ્થાનિક વાતાવરણ અને જમીનની સ્થિતિ મુજબ તેમાં આંશિક ફેરફાર સંભવ છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande