ખાવડામાં એલસીબીનો કડક પ્રહાર: શંકાસ્પદ કોપર કેબલ, પટ્ટીઓ અને લાકડાના જથ્થા સાથે ટ્રક ઝડપાયો
કચ્છ, 26 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા સઘન અભિયાન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) ભુજને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તાર દરમિયાન પેટ્રોલિંગ અને બાતમીના આધારે કરવામાં આવેલી કાર્
ખાવડા ખાતે જપ્ત કરાયેલ વાહન


ખાવડા ખાતે જપ્ત કરાયેલ વાહન


કચ્છ, 26 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા સઘન અભિયાન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) ભુજને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તાર દરમિયાન પેટ્રોલિંગ અને બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન આધાર-પુરાવા વિના પરિવહન કરવામાં આવી રહેલો કોપરના કેબલો, કોપરની પટ્ટીઓ તેમજ લાકડાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી ગેરકાયદે સ્ક્રેપ અને કિંમતી ધાતુઓના હેરફેરમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

એલસીબીની ટીમે તપાસ દરમિયાન એક ટ્રકને રોકી તેની સઘન ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી અંદાજે 350 કિલોગ્રામ જેટલા કોપરના વાયરો અને કોપરની પટ્ટીઓ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 1.75 લાખ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ટ્રકમાં અંદાજે ચાર ટન જેટલા મોટા લાકડાનો જથ્થો પણ મળી આવ્યો હતો, જેની કિંમત આશરે રૂ. 40 હજાર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ સામાન અંગે જરૂરી દસ્તાવેજો કે માલિકીનો આધાર રજૂ ન કરી શકાતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

કાર્યવાહી દરમિયાન માલસામાન લઈ જતો ટ્રક (રજિસ્ટ્રેશન નંબર GJ-12-CT-7655) પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ટ્રકની અંદાજિત કિંમત રૂ. 8 લાખ હોવાનું જણાવાયું છે. આમ, જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત લાખો રૂપિયામાં પહોંચે છે.

પ્રાથમિક તપાસમાં કોપરના કેબલો અને પટ્ટીઓ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેને ક્યાં પહોંચાડવાના હતા તે સહિતના મુદ્દાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે માલસામાનના મૂળ સ્ત્રોત, માલિકી અને તેની ખરીદી-વેચાણ સંબંધિત તમામ દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. જો તપાસ દરમિયાન કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ સામે આવશે તો સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર સફળ કામગીરીમાં એલસીબી પશ્ચિમ કચ્છના એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તેમજ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી અને જીવરાજભાઈ ગઢવીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત ચાલી રહેલી આવી કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોને વેગ મળ્યો હોવાનું માનવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande