
પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુરના બિંદુ સરોવર સ્થિત નિરમા ભવન ખાતે સિદ્ધપુર તાલુકા સિનિયર સિટીઝન સંગઠનની 19મી વાર્ષિક સાધારણ સભા ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાઈ હતી. કાર્યક્રમમાં સંગઠનના નવા સભ્યોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સંગઠનને સતત સહયોગ આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સભા દરમિયાન જાન્યુઆરીથી એપ્રિલ માસ દરમિયાન જન્મદિવસ ધરાવતા સભાસદોની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત 75 વર્ષ પૂર્ણ કરનાર વરિષ્ઠ સભાસદ ભાઈ-બહેનોને તેમના સમાજસેવા અને જીવનપ્રવાસની કદરરૂપે શાલ ઓઢાડી અને સ્ટીલની સ્ટીક અર્પણ કરીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંગઠનના પ્રમુખ ડો. નવિનચંદ્ર મોદી, અમરતભારથી, ભરત ઠાકર, વિરેન્દ્ર ઠાકર, શૈલેષ પંચોલી, જશુ પટેલ, વિષ્ણુ પટેલ, નટુ નાઈ, જે.ડી. પટેલ સહિતના આગેવાનો અને કારોબારી સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને વરિષ્ઠ નાગરિકોના સન્માન તથા સંગઠનની એકતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ