
બોટાદ, 26 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા જિલ્લા પ્રભારી મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ઓનલાઈન સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, વીજ કંપની તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ જોડાયા હતા.
પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ જિલ્લાના તમામ અધિકારીઓને વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવા તેમજ જનસુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી. તેમણે નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા, જળાશયો અને વરસાદથી પ્રભાવિત ગામોમાં સતત મોનિટરિંગ રાખવા તેમજ જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા ભાર મૂક્યો હતો.
બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદની સ્થિતિ, જળાશયોમાં પાણીની આવક, માર્ગ વ્યવહાર, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ તથા જરૂરી આવશ્યક સેવાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સંબંધિત વિભાગોને કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપવા માટે સજ્જ રહેવા અને નિયંત્રણ કક્ષાઓને ૨૪ કલાક કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી હતી.
પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોને સમયસર માહિતી પહોંચે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા સતત સંકલન જાળવવું જરૂરી છે. વરસાદને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકસાન ન થાય તે માટે સાવચેતીના તમામ પગલાં અસરકારક રીતે અમલમાં મૂકવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને અફવાઓથી દૂર રહેવા, અધિકૃત સૂચનાઓનું પાલન કરવા તેમજ જરૂરી હોય ત્યારે તંત્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી. જિલ્લાનું તંત્ર હાલની વરસાદી પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ સતર્ક અને સજ્જ હોવાનું બેઠકમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA