



પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને આજે બગવદર ગ્રામ પંચાયત ખાતે નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે લોકદરબાર યોજાયો હતો. લોકદરબારમાં પોરબંદર વિધાનસભા વિસ્તારના વિવિધ ગામોમાંથી આવેલા નાગરિકોએ પોતાની વ્યક્તિગત તેમજ જનહિતના પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. મંત્રીએ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવા માટે હકારાત્મક ખાતરી આપી હતી.લોકદરબારમાં પીજીવીસીએલ સંબંધિત પ્રશ્નો, રોડ-રસ્તાના કામો સંબંધિત અરજીઓ, વરસાદી પાણી ભરાવાની સમસ્યા સહિત વિવિધ વિભાગોને લગતી અરજીઓ રજૂ કરવામાં આવી હતી.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને પ્રશ્નોનો નિયમોનુસાર ઝડપી તથા અસરકારક નિકાલ થાય તે માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. લોકદરબારમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે તેમણે સ્થળ પર જ સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રશ્નોનું પારદર્શક રીતે નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખરીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, પોરબંદર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનબેન તિવારી, મામલતદાર, પીજીવીસીએલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya