સુરતના પાંડેસરામાં બિહારના યુવક પાસેથી દેશી તમંચો અને ત્રણ કારતૂસ મળ્યા, પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત, 27 જુલાઈ (હિ.સ.) : સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી રણજીત ઉર્ફે છોટુ શિવનાથ સરજુ શાહુ (ઉં.વ. 20), મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લાના કંકેર ગામનો રહેવાસી છે અને રોજગારી માટે સુરતમાં રહે
Surat


સુરત, 27 જુલાઈ (હિ.સ.) : સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી રણજીત ઉર્ફે છોટુ શિવનાથ સરજુ શાહુ (ઉં.વ. 20), મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લાના કંકેર ગામનો રહેવાસી છે અને રોજગારી માટે સુરતમાં રહેતો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે પ્રાઇમ પોઇન્ટથી બુડીયા રોડ તરફ જતાં માર્ગ પર જી.ઈ.બી. સબસ્ટેશન નજીક તેને કોર્ડન કરીને ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપીની તપાસ દરમિયાન તેની પાસેથી અંદાજે ₹10,000 કિંમતનો દેશી હાથબનાવટનો તમંચો, ત્રણ જીવતા કારતૂસ અને ₹5,000નો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹15,300નો મુદ્દામાલ કબજે કરીને તેની સામે આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ, 29 તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ગેરકાયદેસર હથિયારો સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ હથિયાર અને કારતૂસ બિહારથી ખરીદીને સુરત લાવ્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હથિયાર તેને કોની પાસેથી મળ્યું હતું, તેની પાછળ કોઈ ગેરકાયદેસર નેટવર્ક કાર્યરત છે કે નહીં અને સુરતમાં હથિયાર લાવવાનો તેનો હેતુ શું હતો. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande