


- બદલપુરાથી ઓછણ તરફનો ડાઈવર્ઝન રસ્તો ફાળવવામાં આવ્યો છે ભારે વાહનો માટે
ભરૂચ,27 જુલાઈ (હિ.સ.) વાગરા તાલુકામાં આવેલ બ્રિજની કામગીરી દરમિયાન બનાવવામાં આવેલો ડાઇવર્ઝન માર્ગ સ્થાનિકો અને વાહનચાલકો માટે શિરદર્દ સમાન બની ગયો છે. બ્રિજનું કામ કરતી એજન્સી અને સંબંધિત હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારીના કારણે ડાઇવર્ઝન પર રોજિંદા ધોરણે વાહનો ફસાઇ જવાની તથા નાના-મોટા અકસ્માતો સર્જાવાની ઘટનાઓ વધી રહી છે. તંત્રની આ નિષ્ક્રિયતાને પગલે વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.
વાગરા તાલુકામાં ચાંચવેલ અને પાલડી વચ્ચે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે તંત્ર દ્વારા વાહન ચાલકો માટે બદલપુરાથી ઓછણ તરફનો ડાઈવર્ઝન રસ્તો ફાળવવામાં આવ્યો છે. આ વૈકલ્પિક ડાઈવર્ઝન માર્ગની અત્યંત બિસ્માર અને ખરાબ હાલતને કારણે આજે એક ભારે વાહન ટ્રક ટ્રેલર પલટી મારી ગયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર ઉજાગર થઈ છે.
સાંકડો રસ્તો અને ઊંડા ખાડા બન્યા બોજ રૂપ બની ગયા છે.જીવના જોખમે મુસાફરી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડાઇવર્ઝન માર્ગ અત્યંત સાંકડો અને બિસમાર હાલતમાં છે. રસ્તા પર ઠેર-ઠેર પડેલા ઊંડા ખાડા ટેકરાઓને કારણે દ્વિચક્રી અને ચારચક્રી વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં આ માર્ગ પરથી સતત ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. તંત્ર દ્વારા અહીં સુરક્ષાના કોઈ ચોક્કસ પગલાં કે રસ્તાના રિપેરિંગની કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે અકસ્માતનું જોખમ સતત તોળાતું રહે છે.
રહીશો અને વાહનચાલકોની મુખ્ય માંગણીઓમાં
ત્વરિત રિપેરિંગ કરવું જરૂરી છે. ડાઇવર્ઝન માર્ગનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવામાં આવે.
વૈકલ્પિક વ્યવસ્થા કરવું અત્યંત જરૂરી બની ગઈ છે. ભારે વાહનો માટે યોગ્ય અને સુરક્ષિત વૈકલ્પિક રૂટ ગોઠવવામાં આવે.સુરક્ષાના સાધનો મૂકવા જોઈએ જેવા કે ડાઇવર્ઝન પર પૂરતા પ્રમાણમાં સાઇનબોર્ડ, રીફ્લેક્ટર અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.
મોટો અકસ્માત થાય તે પહેલાં તંત્ર જાગે! તો સારું
સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે સંબંધિત વિભાગ ઊંઘમાંથી જાગે અને વહેલી તકે આ ડાઇવર્ઝનનું સમારકામ કરાવે અથવા ભારે વાહનો માટે ડાયવર્ઝન બદલી યોગ્ય સુવિધા પૂરી પાડે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત કે પ્રાણઘાતક દુર્ઘટના સર્જાવાની પૂરતી શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ