



પોરબંદર, 27 જુલાઈ (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણ અને સર્વાંગી કલ્યાણના અભિગમને સાકાર કરતી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓમાં ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ જરૂરિયાતમંદ મહિલાઓ માટે આર્થિક સંબળરૂપ સાબિત થઈ રહી છે. યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને ₹1,250 ની આર્થિક સહાય આપવામાં આવે છે, જેના પરિણામે મહિલાઓના જીવનમાં આર્થિક સુરક્ષા વધુ મજબૂત બની રહી છે.
પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસા ટાઢાણીએ ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલમાં જિલ્લામાં 24,300 થી વધુ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી રહી છે. લાભાર્થીઓને નિયમિત રીતે સહાય મળતી રહે તે માટે સમયાંતરે વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં અત્યાર સુધીમાં આશરે 12,000 જેટલા, એટલે કે લગભગ 50 ટકા લાભાર્થીઓનું વેરિફિકેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકીના ૫૦ ટકા લાભાર્થીઓનું વેરિફિકેશન કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. તમામ લાભાર્થીઓએ પોતાની સહાય નિરંતર ચાલુ રહે તે માટે તા. 31 જુલાઈ, 2026 પહેલાં વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરાવવી અનિવાર્ય છે.
વધુમાં જણાવ્યું હતું કે દિવ્યાંગ, અશક્ત, ગંભીર બીમારીથી પીડિત અથવા વધુ વયના એવા લાભાર્થીઓ, જેઓ કચેરી સુધી આવી શકતા નથી, તેમના માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા લાભાર્થીઓના ઘરે વિભાગનો સ્ટાફ રૂબરૂ જઈ વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે જેથી તેમની દર માસે મળતી સહાયમાં કોઈ વિક્ષેપ ન આવે.
પોરબંદર શહેરમાં રૂબરૂ વેરિફિકેશન માટે બે કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ભૂતનાથ મહાદેવ મંદિર પાછળ આવેલું ‘સખી વન સ્ટોપ સેન્ટર’ તેમજ સેવા સદન-2, રૂમ નં. 4 ખાતે આવેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થીઓ ઘરે બેઠા પણ ઓનલાઈન વેરિફિકેશન કરી શકે છે. તેના માટે પરિવારના કોઈ શિક્ષિત સભ્યની મદદથી ‘Beneficiary Satyapan’ મોબાઇલ એપ્લિકેશન દ્વારા આધાર કાર્ડ અને ચાલુ મોબાઇલ નંબરની મદદથી વેરિફિકેશન પૂર્ણ કરી શકાય છે.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ તમામ બાકી રહેલા લાભાર્થીઓને સમયમર્યાદા ધ્યાને રાખી તા. 31 જુલાઈ, 2026 પહેલાં વેરિફિકેશન પૂર્ણ કરાવી લેવા અનુરોધ કર્યો છે, જેથી યોજનાની માસિક સહાય નિયમિતપણે મળતી રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya