
જામનગર, 27 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી થયેલી મોટરસાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે એક આરોપી અને બે સગીર વયના કિશોરોને ઝડપી પાડી ચોરીમાં ગયેલી કુલ 6 મોટરસાયકલો કબજે કર્યા છે.
પોલીસે ખાનગી બાતમીના આધારે સ્મશાન ચોકડી નજીક 3 શંકાસ્પદ વ્યક્તિઓ ચોરીની મોટરસાયકલ સાથે ફરી રહ્યા હોવાની માહિતી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી. ત્યાંથી અલ્તમસ ઉર્ફે મસ્તાન રફીકભાઈ સમા (ઉં. 19, રહે. કાલાવાડ નાકા બહાર, જામનગર) તથા બે કિશોરોને ઝડપી પાડ્યા હતા.
તેઓ પાસેથી મળી આવેલી નંબર પ્લેટ વગરની સુઝુકી એક્સેસ મોટરસાયકલના ચેસીસ અને એન્જિન નંબરના આધારે ઇ-ગુજકોપમાં તપાસ કરતાં તે જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાની હોવાનું બહાર આવ્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીઓએ આશરે દોઢ મહિના પહેલા ગુલાબનગર-સાંઢીયા પુલ નજીકથી આ બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
વધુ પૂછપરછમાં આરોપીઓએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી વધુ 5 મોટરસાયકલોની ચોરી કર્યાની પણ કબૂલાત આપી હતી. પોલીસે કુલ 6 મોટરસાયકલો કબજે કરી છે. જેમાં ત્રણ મોટરસાયકલો નોંધાયેલા ગુનાઓમાં કબજે કરવામાં આવી છે જ્યારે બે મોટરસાયકલો શંકાસ્પદ મિલકત તરીકે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ગુનાનો ભેદ ખાનગી બાતમીદારોની માહિતી અને ઇ-ગુજકોપમાં કરાયેલી ટેકનિકલ તપાસના આધારે ઉકેલવામાં સફળતા મળી હોવાનું પોલીસે જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt