
જામનગર, 27 જુલાઈ (હિ.સ.) : જામનગરના શમેશ્વરનગર શક્તિ પાર્ક શેરી નં. 2 વિસ્તારમાં પારિવારિક અદાવતને પગલે દાદીમાને બહાર બોલાવવા મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં માતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, લાકડાના ધોકાથી મોટરસાઇકલને નુકસાન પહોંચાડ્યાની ફરિયાદના આધારે પોલીસે એક જ પરિવારના ચાર સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી અજયસિંહ મંગળસિંહ જાડેજા એ નોંધાવેલી ફરિયાદ મુજબ, 26 જુલાઈની રાત્રે પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના મોટાબાપુ ભરતસિંહ ચનુભા જાડેજા, તેમના પુત્રો નાગરાજસિંહ ભરતસિંહ જાડેજા અને નાગપાલસિંહ ભરતસિંહ જાડેજા તેમજ હેતલબા ભરતસિંહ જાડેજા ઘર બહાર આવ્યા હતા. નાગપાલસિંહે દાદીમા ગગુબાને બહાર બોલાવવા કહ્યું હતું. આ બાબતે થયેલી બોલાચાલી દરમિયાન આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી ઢીંકાપાટુનો માર માર્યો હતો.
ફરિયાદ મુજબ, વચ્ચે પડેલા ફરિયાદીની માતા પ્રેમકુંવરબાને પણ હેતલબાએ માર માર્યો હતો. ત્યારબાદ ભરતસિંહ અને નાગરાજસિંહે લાકડાના ધોકાથી ફરિયાદીની ઇલેક્ટ્રિક મોટરસાઇકલને નુકસાન પહોંચાડ્યું હતું, જેનું અંદાજિત નુકસાન રૂ.15,000 હોવાનું જણાવાયું છે. બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકત્ર થઈ જતાં આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં ફરિયાદીએ 112 પર કોલ કરતાં પોલીસ પહોંચી હતી.
આ બનાવ પાછળ અગાઉ થયેલી પારિવારિક બોલાચાલીનો ખાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ભરતસિંહ ચનુભા જાડેજા, નાગરાજસિંહ ભરતસિંહ જાડેજા, નાગપાલસિંહ ભરતસિંહ જાડેજા અને હેતલબા ભરતસિંહ જાડેજા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt