
પોરબંદર, 27 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરમાં પ્રથમવાર ગ્રીન કોરિડોર બનાવી પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગંભીર હાલતમાં રહેલી ચાર વર્ષની બાળકીનો જીવ બચાવવા માટે પોલીસે સમય સામે દોડ લગાવી ટ્રાફિકમુક્ત માર્ગ તૈયાર કર્યો હતો. પોલીસની ઝડપી કામગીરીને કારણે એમ્બ્યુલન્સ કોઈપણ વિલંબ વિના રાજકોટ પહોંચી શકી હતી.
મળતી માહિતી મુજબ, આશા હોસ્પિટલના તબીબ ગોપાલ કાલરીયાની ચાર વર્ષની પુત્રી દાંતની સારવાર દરમિયાન અચાનક ગંભીર હાલતમાં પહોંચી ગઈ હતી. બાળકીનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેને વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં દરેક મિનિટ મહત્વની હોવાથી તાત્કાલિક ગ્રીન કોરિડોર બનાવવાની જરૂરિયાત ઉભી થઈ હતી. પોરબંદર પોલીસે તાત્કાલિક શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું અસરકારક નિયંત્રણ કરી એમ્બ્યુલન્સ માટે સંપૂર્ણ ટ્રાફિકમુક્ત માર્ગ તૈયાર કર્યો હતો. પોલીસકર્મીઓ વિવિધ સ્થળોએ તૈનાત રહી વાહનવ્યવહારને નિયંત્રિત કરતા રહ્યા, જેના કારણે એમ્બ્યુલન્સ ઝડપથી અને કોઈપણ અવરોધ વિના રાજકોટ તરફ રવાના થઈ શકી હતી. પોલીસના સુમેળભર્યા આયોજન અને ઝડપી કામગીરીના કારણે બાળકીને સમયસર હોસ્પિટલ પહોંચાડી જરૂરી સારવાર મળી શકી હતી.
પોરબંદર શહેરમાં પ્રથમવાર અમલમાં મૂકાયેલા ગ્રીન કોરિડોરની કામગીરીને લોકો દ્વારા ખૂબ પ્રશંસા મળી રહી છે. શહેરમાં માનવજીવન બચાવવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સંવેદનશીલ અને ઝડપી કામગીરીને અનેક લોકોએ બિરદાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya