
જુનાગઢ, 27 જુલાઈ (હિ.સ.) : બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ, જૂનાગઢના ગુજરાતી વિભાગ અને સમાજશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી ભાષાના ગૌરવ સમાન મહાન લેખક, કવિ, સાહિત્યકાર અને વિચારક ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઉક્ત સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્ય ડૉ.જે.આર.વાંઝાના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉમાશંકર જોશીના સાહિત્યને સાહિત્ય અને સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ મુલવવામાં આવ્યા હતા. ઉમાશંકર જોશીના સાહિત્યમાં સમાજિક પ્રશ્નો, દબાયેલ વર્ગની વેદના અને સ્ત્રીઓના પ્રશ્નો કઇ રીતે રજૂ કર્યા હતા તેમજ પ્રશ્નોની વર્તમાન સમયે ઉચિતતાની વાત કરવામાં આવી હતી.
તેઓના જીવન વિશે વાત રાઠોડ પ્રિયંકાબાએ કરી હતી. તેમજ ‘જઠરાગ્નિ’ કાવ્યમાં પીડિત વર્ગની વ્યથાની વાત ડૉ.મેઘરાજસિંહ જાડેજાએ કરી હતી. તેમની વાર્તાઓમાં રજૂ થતી સામાજિક સમસ્યાઓની વાત ડૉ.ગૌરાંગ જાનીએ કરી હતી.
આ ઉપરાંત એકાંકીઓમાં સ્ત્રીઓની સમસ્યા ગઇ કાલ અને આજ વિષય પર ડૉ.હરેશ વરૂએ ચર્ચા કરી હતી. ‘વિશ્વશાંતિ’ કાવ્યનો આસ્વાદ ડૉ.ચંદ્રકાંત વણકરે કરાવ્યો હતો. તેમ સંસ્થાના આચાર્ય બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ દ્વારા જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ