
નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.). જાહેર પરીક્ષાઓમાં નકલ અને પેપર લીક પર કડકાઈ માટે સરકાર સોમવારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ (અયોગ્ય સાધનોની રોકથામ) સુધારા વિધેયક, 2026 એટલે કે પેપર લીક વિરોધી બિલ રજૂ કરશે. આ વિધેયકમાં પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકના કિસ્સાઓમાં કડક કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે.
વિધેયક રજૂ થાય તે પહેલાં કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ, તેને દેશ માટે મહત્વપૂર્ણ દિવસ ગણાવ્યો. તેમણે મીડિયાને જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી બનેલી પેપર લીકની ઘટનાઓ અને તાજેતરના વિદ્યાર્થી આંદોલન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મહત્વપૂર્ણ પગલાં લીધાં અને મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. હવે તે જ દિશામાં એક નક્કર કાયદો સંસદ સમક્ષ લાવવામાં આવી રહ્યો છે.
રિજિજુએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે, તેઓ આ મહત્વપૂર્ણ વિધેયક પર ગૃહમાં ચર્ચામાં ભાગ લે. તેમણે કહ્યું કે, પરીક્ષા પેપર લીક વિરુદ્ધ આટલો કડક કાયદો બનાવવામાં આવી રહ્યો છે, તેથી હોબાળાને બદલે તમામ પક્ષોએ રચનાત્મક ચર્ચા કરવી જોઈએ.
તેમણે કહ્યું કે, જો વિપક્ષ ચર્ચામાં ભાગ લેવાને બદલે ફક્ત હોબાળો કરશે તો તેનાથી દેશમાં લોકો વચ્ચે શું સંદેશ જશે. જ્યારે, વિપક્ષ વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને પરીક્ષા પ્રણાલીમાં કથિત અનિયમિતતાઓના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીમાં છે. સંસદમાં હોબાળાની શક્યતાઓ પણ યથાવત છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ