
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.)વરસાદી ઋતુ દરમિયાન પાણીજન્ય રોગોનું જોખમ ઘટાડવા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા હેઠળ આવેલા ઉબખલ ગામમાં આજે ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામના પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશન કરીને પાણીને શુદ્ધ અને સુરક્ષિત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. વરસાદ બાદ પાણીના સ્ત્રોત દૂષિત થવાની સંભાવના રહેતી હોવાથી કોલેરા, ટાઇફોઇડ, ડાયરીયા સહિતના પાણીજન્ય રોગોને અટકાવવા આ કામગીરી કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
સાથે જ ગ્રામજનોને સ્વચ્છ પીવાનું પાણી વાપરવા, પાણી ઉકાળીને પીવું, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી તેમજ આરોગ્ય સંબંધિત કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, વરસાદી મોસમ દરમિયાન જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવા નિવારક પગલાં સતત લેવામાં આવી રહ્યા છે અને જરૂરિયાત મુજબ અન્ય ગામોમાં પણ ક્લોરીનેશન સહિતની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR