
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા હેઠળ આવેલા ઉબખલ ગામમાં આજે આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીન ટીકડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વરસાદી ઋતુ દરમિયાન પાણીજન્ય રોગોનું જોખમ વધતું હોવાથી લોકોને શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય કર્મચારીઓએ ગ્રામજનોને ક્લોરીન ટીકડીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી આપી હતી. સાથે જ પીવાનું પાણી ઉકાળીને પીવું, પાણીના વાસણો સ્વચ્છ રાખવા, ખુલ્લામાં પડેલું પાણી ન પીવું અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં પાણીજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવાની સાથે લોકોને ડાયરીયા, ટાઇફોઇડ, કોલેરા સહિતના રોગોથી બચવા જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી. વિભાગે જણાવ્યું કે વરસાદી મોસમ દરમિયાન આવા નિવારક પગલાં લોકોના આરોગ્યની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડાની ટીમ દ્વારા આગામી દિવસોમાં પણ તાલુકાના અન્ય ગામોમાં આવી જ કામગીરી ચાલુ રાખી લોકોને સ્વચ્છ પાણી અને આરોગ્ય અંગે જાગૃત કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR