વિજાપુરમાં ઓનલાઈન પેમેન્ટના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરના ચક્કર વિસ્તારમાં આવેલી એક મચ્છીની દુકાને ઓનલાઈન પેમેન્ટના વિવાદને લઈ બે પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની હતી. ઘટનામાં બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલમા
વિજાપુરમાં ઓનલાઈન પેમેન્ટના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી


મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરના ચક્કર વિસ્તારમાં આવેલી એક મચ્છીની દુકાને ઓનલાઈન પેમેન્ટના વિવાદને લઈ બે પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની હતી. ઘટનામાં બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ બંને પક્ષે એકબીજા સામે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સામસામા ગુના દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ગ્રાહક પક્ષની ફરિયાદ મુજબ, રબારીવાસના નાકે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા ભુપેન્દ્રકુમાર નટવરલાલ વાઘેલા ચક્કર વિસ્તારમાં આવેલી સફીક અહેમદભાઈ કુરેશીની દુકાને રૂ. 340ની મચ્છી ખરીદવા ગયા હતા. ઓનલાઈન પેમેન્ટ કર્યા હોવા છતાં રકમ જમા થઈ નથી તેમ કહી અગાઉના બાકી નાણાં સહિત વધુ રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. આ બાબતે પુત્ર ભાવિન સ્થળ પર પહોંચતા વેપારી સફીક કુરેશી અને તેમના પુત્ર અકીલ કુરેશીએ લાકડી અને ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડ્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

બીજી તરફ, 'અલી ફીશ સેન્ટર'ના સંચાલક અકીલમહમદ સફીકભાઈ કુરેશીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ખરીદેલી મચ્છીના નાણાં ખાતામાં જમા થયા નહોતા અને અગાઉનો વેપારી હિસાબ પણ બાકી હતો. આ અંગે હિસાબ ચૂકવવાનું કહેતાં ભુપેન્દ્ર વાઘેલાના પુત્ર ભાવિને ફોન પર ગાળાગાળી કરી દુકાને આવી ઝઘડો કર્યો હતો. ઝપાઝપી દરમિયાન અકીલમહમદને દુકાન બહાર ખેંચી કાઢતાં કાઉન્ટર સાથે કોણી અથડાતા ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

વિજાપુર પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે, સામસામા ગુના નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande