
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં સતત વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય અને ચેપી રોગોના નિયંત્રણ માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. જન આરોગ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ અને ફોગિંગ શરૂ કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગની ટીમો શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચીને પાણી ભરાયેલા સ્થળો, ગટરો, રહેણાંક વિસ્તારો અને જાહેર સ્થળોએ મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે કામગીરી કરી રહી છે. સાથે જ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા તેમજ પાણીજન્ય અને અન્ય ચેપી રોગોનો ફેલાવો અટકાવવા માટે જરૂરી નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ નાગરિકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા, સ્વચ્છતા જાળવવા અને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે. ઉપરાંત લોકોને સંપૂર્ણ બાંયના કપડાં પહેરવા અને મચ્છરદાની અથવા મચ્છરથી બચવાના ઉપાયો અપનાવવા પણ સૂચના આપવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે વરસાદી મોસમ દરમિયાન ચેપી રોગોનું જોખમ વધતું હોવાથી વિભાગ સતત સતર્ક છે અને જરૂરી સ્થળોએ દૈનિક ધોરણે ફોગિંગ તથા દવાનો છંટકાવ કરીને જન આરોગ્યને સુરક્ષિત રાખવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR