
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે હવામાં 81.57 ટકા ભેજ નોંધાતા ઠંડકનો અનુભવ થયો હતો. ભારે વરસાદના કારણે વિજાપુર તાલુકાના મંડાળી (ખ) ગામમાં ગ્રામ પંચાયતના મુખ્ય માર્ગ પર આવેલા જગુભાઈ સેનમાના મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. બીજી તરફ ઊંઝાના મક્કુપુર રોડ પર વૃક્ષ રસ્તા પર તૂટી પડતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. ગ્રામ પંચાયતની ટીમે તાત્કાલિક કામગીરી કરી વૃક્ષ હટાવી માર્ગ ફરી શરૂ કરાવ્યો હતો. વડનગર તાલુકાના જગપુરા ગામમાં એક મકાનનું છાપરું ધરાશાયી થતાં નીચે બાંધેલી ગાયનું મોત નીપજ્યું હતું.
શહેરમાં રાધનપુર રોડ અને મોઢેરા રોડ પર ચાલી રહેલી આઇકોનિક રોડની કામગીરી પણ સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બની છે. ફૂટપાથ અને યુટિલિટી લાઇનના ખોદકામમાંથી નીકળેલી માટી વરસાદી પાણી સાથે 25થી વધુ સોસાયટીઓ અને કોમ્પ્લેક્સના પ્રવેશદ્વાર સુધી ફેલાતા કાદવ-કિચ્ચડ સર્જાયો છે. જેના કારણે રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ભય ઉભો થયો છે. સ્થાનિકોએ તાત્કાલિક સફાઈની માંગ કરી છે.
આ તરફ રાધનપુર રોડ પર આવેલા શ્રીપાલનગરના કોમન પ્લોટમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે રિચાર્જ વેલ અને ચેમ્બર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મનપાના જણાવ્યા મુજબ કામ પૂર્ણ થયા બાદ વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થશે અને વિસ્તારના રહેવાસીઓને રાહત મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR