
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં વરસાદના વિરામનો લાભ લઈ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) મહેસાણા દ્વારા કડી–નંદાસણ રોડ પર વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગના ભાગોની તાત્કાલિક મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. સતત વરસાદને કારણે રોડના અનેક સ્થળોએ ખાડા પડ્યા હતા અને ડામરનું આવરણ ઊખડી જતાં વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિભાગ દ્વારા પેચ રિપેરિંગ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મરામત માટે જરૂરી મશીનરી અને કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. માર્ગની સ્થિતિ સુધારી વાહનવ્યવહારને સુરક્ષિત અને અવરોધમુક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે જ્યાં જ્યાં વરસાદને કારણે માર્ગને નુકસાન પહોંચ્યું છે, ત્યાં પ્રાથમિકતાના ધોરણે મરામત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગોનું સતત નિરીક્ષણ કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક કામગીરી હાથ ધરાશે.
વિભાગે વાહનચાલકોને મરામત કામગીરી દરમિયાન સાવચેતીપૂર્વક વાહન ચલાવવા તેમજ જરૂરી હોય ત્યાં ગતિ મર્યાદાનું પાલન કરવાની અપીલ કરી છે, જેથી કામગીરી દરમિયાન કોઈ અકસ્માત સર્જાય નહીં અને માર્ગ મરામત ઝડપથી પૂર્ણ થઈ શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR