
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર ગામે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા બજાજ ફિનસર્વ લિમિટેડના CSR સહયોગથી અમલમાં મૂકાયેલા સક્ષમ (SAKSHAM) પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ દિવસીય નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા તેમજ પ્રોડક્ટ ડેવલપમેન્ટ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમમાં વડનગર તાલુકાની નાના-મોટા વ્યવસાય સાથે જોડાયેલી 56 મહિલા સાહસિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલા ઉદ્યોગસાહસિકો, સ્વસહાય જૂથોની સભ્યો અને સ્થાનિક નાગરિકોમાં નાણાકીય જાગૃતિ વધારવાની સાથે ડિજિટલ વ્યવહારો અંગે વિશ્વાસ અને સમજણ વિકસાવવાનો છે, જેથી તેઓ આધુનિક ડિજિટલ સેવાઓનો સુરક્ષિત અને અસરકારક ઉપયોગ કરીને આર્થિક રીતે વધુ સશક્ત બની શકે.
પ્રોજેક્ટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. મુકેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે EDIIના પ્રોગ્રામ ડાયરેક્ટર ડૉ. અમિત દ્વિવેદીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ ગુજરાત અને ઉત્તર પ્રદેશના કુલ 17 જિલ્લાઓમાં સફળતાપૂર્વક કાર્યરત છે. મહેસાણા જિલ્લામાં આગામી બે વર્ષમાં આશરે 720 ઉદ્યોગસાહસિકોને તાલીમ, માર્ગદર્શન અને વ્યવસાયિક સહયોગ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
તાલીમના અંતિમ દિવસે મહિલા સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોનું પ્રદર્શન યોજાશે, જેમાં બ્રાન્ડિંગ, પેકેજિંગ, વિઝિટિંગ કાર્ડ, સાઇનેજ અને માર્કેટિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મિશન મંગલમના સ્ટાફ તેમજ ટી.એલ.એફ. વિરસંગજીએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR