મહેસાણામાં શ્રમિક પરિવારના બાળકમાં શિક્ષણનો દીપ પ્રગટ્યો, પ્રાચાર્યના પ્રયાસથી 6 વર્ષના રાજવીરમાં ભણવાની જાગી લગન
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : રોજગારી માટે સતત સ્થળાંતર કરતા શ્રમિક પરિવારોના અનેક બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. આવા બાળકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો તેમના જીવનમાં પણ મોટો બદલાવ આવી શકે છે. તેનો જીવંત દાખલો મહેસાણા જિલ્લા શિક્ષણ અને
મહેસાણામાં શ્રમિક પરિવારના બાળકમાં શિક્ષણનો દીપ પ્રગટ્યો, પ્રાચાર્યના પ્રયાસથી 6 વર્ષના રાજવીરમાં ભણવાની જાગી લગન


મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : રોજગારી માટે સતત સ્થળાંતર કરતા શ્રમિક પરિવારોના અનેક બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. આવા બાળકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો તેમના જીવનમાં પણ મોટો બદલાવ આવી શકે છે. તેનો જીવંત દાખલો મહેસાણા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) ખાતે જોવા મળ્યો છે.

ભવનમાં ચાલી રહેલા મરામત કામ દરમિયાન શ્રમિક પરિવાર સાથે આવેલા છ વર્ષના રાજવીર પર પ્રાચાર્ય વિનોદભાઈ હડીયોલની નજર પડી હતી. તેમણે પોતાના ફુરસદના સમયમાં રાજવીરને ચેમ્બરમાં અને વર્ગખંડમાં બેસાડી આત્મીયતા સાથે શિક્ષણની શરૂઆત કરાવી હતી. બ્લેકબોર્ડ પર ચોક પકડાવી અંકો લખવાનું શીખવતાં બાળકમાં ભણવાની ઉત્સુકતા અને જિજ્ઞાસા જાગી હતી.

આ પ્રયાસનું પરિણામ એ આવ્યું કે રાજવીરે ગણતરીના દિવસોમાં જ નોટબુકમાં 1થી 4 સુધીના અંકો લખતા શીખી લીધા છે અને હવે તે 5નો અંક શીખી રહ્યો છે. દરરોજ સવારે પ્રાચાર્ય સંકુલમાં પહોંચે ત્યારે રાજવીર ઉત્સાહપૂર્વક નવો અંક શીખવા તેમની પાસે પહોંચી જાય છે.

રાજવીરમાં ભણવાની લગન અને ઝડપથી શીખવાની ક્ષમતા જોઈ તેના પિતા પણ પ્રભાવિત થયા હતા. તેમણે બાળક માટે નવી નોટબુક ખરીદી આપી છે અને વતન પરત ગયા બાદ તેને નિયમિત શાળામાં દાખલ કરાવવાનો નિર્ણય કર્યો છે. આ ઘટના દર્શાવે છે કે શિક્ષકની થોડી હૂંફ અને માર્ગદર્શન પણ વંચિત બાળકના જીવનમાં શિક્ષણનો નવો પ્રકાશ પ્રગટાવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande