
પોરબંદર, 27 જુલાઈ (હિ.સ.) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી- 2026નું લોન્ચિંગ કર્યું છે. આ નવી નીતિનો સૌથી મોટો લાભ પોરબંદર જિલ્લાને મળવાનો છે. કારણ કે ભારત સરકારે પોરબંદરના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટરને મંજૂરી આપી છે, જ્યાં રૂ. 27 હજાર કરોડથી વધુના રોકાણની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ સાકાર થતાં પોરબંદર દેશના મહત્વપૂર્ણ શિપ બિલ્ડિંગ અને મેરિટાઇમ ઉદ્યોગ કેન્દ્ર તરીકે ઉભરી શકે છે. નવી પોલિસી હેઠળ કુછડીમાં બે થી ત્રણ વિશ્વસ્તરીય શિપયાર્ડ સાથે મરીન સાધન સામગ્રીના ઉત્પાદન એકમો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરો, સ્કિલ ડેવલપમેન્ટ સંસ્થાઓ અને આધુનિક લોજિસ્ટિક્સ સુવિધાઓ વિકસાવવામાં આવશે. ઉપરાંત બ્રેકવોટર, ડ્રેજિંગ, નેવિગેશન ચેનલ, વીજળી, પાણી અને માર્ગ જેવી આધુનિક માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા પ્રોજેક્ટનો ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે પૂર્ણ થયા બાદ અમલીકરણને વેગ મળશે. આ પ્રોજેક્ટ માત્ર મોટા ઉદ્યોગો પૂરતો મર્યાદિત નહીં રહે પરંતુ સ્થાનિક અર્થતંત્ર માટે પણ આશીર્વાદરૂપ બનશે. શિપ બિલ્ડિંગ સાથે જોડાયેલા નાના અને મધ્યમ ઉદ્યોગો, ફેબ્રિકેશન, એન્જિનિયરિંગ, મરીન ઇક્વિપમેન્ટ, ટ્રાન્સપોર્ટ, હોટેલ, રેસ્ટોરન્ટ, વેપાર અને સેવા ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે. સ્થાનિક યુવાનોને કૌશલ્ય આધારિત તાલીમ મળતાં રોજગારીના હજારો નવા અવસર ઉપલબ્ધ બનશે અને સ્થળાંતર ઘટશે. પોલિસી અંતર્ગત મૂડી સહાય, સ્ટેમ્પ ડ્યુટી પરતફેર, વ્યાજ સહાય, ડ્રેજિંગ સહાય, વીજળી અને પાણીના દરમાં સબસિડી સહિતના વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવશે. સાથે જ સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ દ્વારા ઉદ્યોગોને ઝડપથી મંજૂરી મળી શકશે. ગુજરાત સરકારનો હેતુ રાજ્યને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક શિપ બિલ્ડિંગ હબ બનાવવાનો છે.
કુછડી ખાતે મેગા શિપ બિલ્ડિંગ ક્લસ્ટર સાકાર થતાં પોરબંદરનું નામ માત્ર માછીમારી માટે જ નહીં પરંતુ દેશના અગ્રણી મેરિટાઇમ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે પણ ઓળખાશે. સ્થાનિક વેપાર, ઉદ્યોગ, રોજગારી અને પોર્ટ આધારિત અર્થતંત્રને નવી દિશા મળશે, જેના કારણે સમગ્ર પોરબંદર જિલ્લાના વિકાસને લાંબા ગાળાનો વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya