પોરબંદરને ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ આપવા યુવા ઉદ્યોગપતિની રજૂઆત
પોરબંદર, 27 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ભરાણીયાએ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને પોરબંદરમાં ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ સ્થાપવા માટે વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે. રજૂઆતમાં વડાપ્રધાન નરે
પોરબંદરને ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ આપવા યુવા ઉદ્યોગપતિની રજૂઆત


પોરબંદર, 27 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ભરાણીયાએ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને પોરબંદરમાં ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ સ્થાપવા માટે વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે. રજૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘Cruise Bharat Mission’ અંતર્ગત પોરબંદરને ગુજરાતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ગેટવે અને ભાવિ મેરિટાઈમ ટુરિઝમ હબ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર સમક્ષ ભલામણ કરવાની માંગ કરવામાં આવી છે.

કેતનભાઈ ભરાણીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરની મંજૂરી બાદ હવે પોરબંદરને ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ મળે તો શહેરના વિકાસને નવી ગતિ મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરાયેલી પહેલમાં પોરબંદર સૌથી મજબૂત દાવેદાર છે. ગુજરાત સરકારના દસ્તાવેજોમાં દ્વારકા–પોરબંદર–વેરાવળ– દીવ રૂટને સંભવિત ક્રૂઝ સર્કિટ તરીકે સ્થાન આપવામાં આવ્યું હોવાનું પણ તેમણે રજૂઆતમાં ઉલ્લેખ કર્યો છે. રજૂઆતમાં જણાવાયું છે કે પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ, સુદામાપુરી, દ્વારકા અને સોમનાથ જેવા ધાર્મિક સ્થળોનું પ્રવેશદ્વાર તેમજ ઐતિહાસિક દરિયાઈ વેપારનું કેન્દ્ર હોવાથી અહીં ક્રૂઝ ટર્મિનલ વિકસાવવાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસનને મોટો વેગ મળશે. સાથે જ હજારો યુવાનોને સીધી અને પરોક્ષ રોજગારી, હોટેલ-રેસ્ટોરન્ટ, ટ્રાવેલ, ટેક્સી, હોમસ્ટે, સ્થાનિક હસ્તકલા, MSME, માછીમારી અને સેવા ક્ષેત્રને નવી તકો મળશે તથા સમગ્ર સૌરાષ્ટ્રની અર્થવ્યવસ્થાને લાભ થશે.

કેતનભાઈ ભરાણીયાએ રજૂઆતમાં રાજ્ય સરકારને પોરબંદરને ગુજરાતના પ્રથમ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ માટે પ્રાથમિકતા આપવા તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડ, બંદરો અને પરિવહન વિભાગ તથા કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રાલય સમક્ષ સત્તાવાર ભલામણ કરવાની વિનંતી કરી છે. તેમણે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ વિકસિત ભારત–2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande