જામનગર જિલ્લામાં મેઘરાજાએ લીધી વિરામની પળો : 48 કલાકથી ક્યાંય વરસાદ નહીં
જામનગર, 27 જુલાઈ (હિ.સ.) : ગત ગુરૂવાર અને શુક્રવારે જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસી બેથી અઢી ઇંચ સુધી વરસાદ વરસાવ્યા બાદ છેલ્લા 48 કલાકથી વરસાદે અચાનક વિરામ લીધો છે. શનિવારે વહેલી સવારથી જ પવનની તીવ્રતા વધતા ધીમે ધીમે વરસાદ
વરસાદી વાતાવરણ


જામનગર, 27 જુલાઈ (હિ.સ.) : ગત ગુરૂવાર અને શુક્રવારે જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસી બેથી અઢી ઇંચ સુધી વરસાદ વરસાવ્યા બાદ છેલ્લા 48 કલાકથી વરસાદે અચાનક વિરામ લીધો છે. શનિવારે વહેલી સવારથી જ પવનની તીવ્રતા વધતા ધીમે ધીમે વરસાદી વાદળો વિખેરાઈ ગયા હતા અને સૂર્યદેવતાએ ફરી દર્શન આપતાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ ઓસર્યો હતો.

શનિવારનો આખો દિવસ તેમજ રવિવારનો સમગ્ર દિવસ જિલ્લામાં એકેય સ્થળે નોંધપાત્ર તો દૂર, વરસાદનું એક ટીપું પણ નોંધાયું ન હતું. સતત બે દિવસથી વરસાદના વિરામને કારણે સમગ્ર જિલ્લો કોરોધાકોડ રહ્યો છે. બીજી તરફ, અગાઉના સારા વરસાદથી ખેતીમાં આશાનું કિરણ જાગ્યું હોવા છતાં હવે વરસાદના વિરામને કારણે ખેડૂતો ફરી એક વખત આકાશ તરફ ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો આગામી વરસાદની આતુરતાથી રાહ નિહાળી રહ્યા છે.

સોમવારે વહેલી સવારથી જિલ્લામાં ફરી એકવાર વાદળછાયું અને વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં ઘેરા વાદળોની અવરજવર જોવા મળી રહી છે. હવામાનમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી વરસાદની સંભાવના જીવંત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર વરસાદના દૈનિક પત્રક મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં માત્ર મોટા વડાળા પી.એચ.સી. વિસ્તારમાં 3 મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તમામ પી.એચ.સી. વિસ્તારોમાં વરસાદ શૂન્ય રહ્યો છે. મોસમ દરમિયાન નવાગામ વિસ્તારમાં સૌથી વધુ 310 મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે વાંસજાળીયામાં 227 મી.મી., સમાણામાં 191 મી.મી., મોટાપાંચદેવડામાં 173 મી.મી. તથા જામવાડી વિસ્તારમાં 168 મી.મી. વરસાદ નોંધાયો છે.

બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર દ્વારા નોંધાયેલા હવામાનના આંકડા મુજબ સોમવારે લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ 92 ટકા જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 14 કિલોમીટર નોંધાતા સમગ્ર જિલ્લામાં બફારાભર્યું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે.

હવામાનમાં ભેજનું ઊંચું પ્રમાણ અને આકાશમાં છવાયેલા વાદળોને જોતા હવે ખેડૂતો સહિત જિલ્લાના લોકોની નજર ફરી મેઘરાજાની આગામી એન્ટ્રી પર મંડાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande