
ભાવનગર,27 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના બેડાં ગામમાં આજે તા. ૨૭ જુલાઈની સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારબાદ શરૂ થયેલા વરસાદે સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારમાં તાજગીનો અહેસાસ કરાવ્યો હતો.
સવારના વરસાદને કારણે ગામના માર્ગો ભીના બન્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો સાવચેતી સાથે અવરજવર કરતા જોવા મળ્યા હતા. જોકે વરસાદના કારણે કોઈ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
ચોમાસાની આ વરસાદી મહેરથી ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું છે. તાજેતરમાં વાવેલા મગફળી, કપાસ, તલ સહિતના ખરીફ પાકને વરસાદથી પૂરતો ભેજ મળતા પાકના વિકાસને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.
વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. બાળકો અને યુવાનો પણ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી ખેડૂતો અને ગ્રામજનોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે.
પ્રશાસન દ્વારા વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી સાવચેતી રાખવા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. ગામ બેડાંમાં સવારનો આ વરસાદ ચોમાસાની સીઝનમાં રાહત અને આનંદ લઈને આવ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA