
પોરબંદર, 27 જુલાઈ (હિ.સ.) : સતત વરસાદ અને રસ્તા ઉપરથી પાણી વહેવાની (ઓવરટોપિંગ) સ્થિતિને કારણે કુતીયાણા તાલુકાના અમીપુર–બળેજ રોડના કેટલાક ભાગોમાં નુકસાન થયું હતું. વાહનચાલકોને અવરજવર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તેમજ માર્ગ પર સલામત અને સુગમ વાહનવ્યવહાર જળવાઈ રહે તે માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ની ટીમ દ્વારા નુકસાનગ્રસ્ત સ્થળોએ જરૂરી મરામતની કામગીરી ઝડપી ગતિએ પૂર્ણ કરી રોડને ફરી વાહનવ્યવહાર માટે સુરક્ષિત અને સુગમ બનાવવામાં આવ્યો છે.
વરસાદી મોસમ દરમિયાન માર્ગોની સ્થિતિ પર વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં પણ જરૂરિયાત જણાય ત્યાં તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરી માર્ગ વ્યવસ્થા જાળવી રાખવામાં આવી રહી છે. વાહનચાલકોને સરળ, સલામત અને અવરોધરહિત મુસાફરી મળી રહે તે માટે વિભાગ દ્વારા માર્ગોના જાળવણી અને સમારકામને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ વરસાદથી નુકસાનગ્રસ્ત માર્ગો પર જરૂરિયાત મુજબ ત્વરિત કામગીરી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya