
જામનગર, 27 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં જામધર્માદા ટ્રસ્ટમાં નોકરી કરતાં શખ્સે જામસાહેબની જાણ બહાર બેન્ક ખાતામાંથી રૂા. 18.30 લાખ તેના તથા તેની પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીના પ્રતાપ પેલેસ રોડ પર, પ્રતાપ વિલાસમાં આવેલા જામધર્માદા ટ્રસ્ટમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતાં આનંદ બાબુ પરમાર નામના કર્મચારીએ તેની ફરજ દરમિયાન વર્ષ 2023 થી ફેબુ્રઆરી 2026 સુધીના ત્રણ વર્ષના સમય દરમિયાન ટ્રસ્ટના જુદા જુદા ખાતાઓમાંથી તેના તથા તેની પત્નીના એકાઉન્ટમાં લાખોની રકમ ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત આચર્યાની વિગત મુજબ આનંદે જામધર્માદા ટ્રસ્ટના એસબીઆઇના 56282000274 નંબરના ખાતામાંથી તથા આઇસીઆઇસીઆઇ બેન્કના 777705020239 નંબરના ખાતામાંથી સમયાંતરે પગાર બિલની રકમ ચુકવવાની સાથે સાથે વધારાની રકમ આનંદ પરમાર તથા તેની પત્ની એકતા પરમારના બેન્ક ખાતામાં જામસાહેબની સહી લઇ બન્નેના ખાતામાં રૂા. 18,30,000 ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત કર્યો હતો. કર્મચારી દ્વારા આચરેલા વિશ્વાસઘાતની જાણ થતાં જામધર્માદા ટ્રસ્ટના કર્મચારી નરેન્દ્રસિંહ માનસિંહ જાડેજા દ્વારા સિટી ‘બી’ પોલીસ સ્ટેશનમાં આનંદ પરમાર વિરૂદ્ધ રૂા. 18.30 લાખની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એમ. એચ. મહેતા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt