જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ પેપરલીકની આશંકા..! ઘટનાની તપાસ માટે સમિતિ રચાઈ
જામનગર, 27 જુલાઈ (હિ.સ.) દેશભરમાં નીટ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપરલીકના વિવાદો હજુ શમ્યા નથી ત્યાં હવે જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપરલીકની આશંકાના કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. બીએએમએસના તૃતીય વ્યાવસાયિક વર્ષ (એમ
ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી-જામનગર


જામનગર, 27 જુલાઈ (હિ.સ.) દેશભરમાં નીટ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપરલીકના વિવાદો હજુ શમ્યા નથી ત્યાં હવે જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપરલીકની આશંકાના કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. બીએએમએસના તૃતીય વ્યાવસાયિક વર્ષ (એમએસ–શલ્ય તંત્ર-1)ની 20 જુલાઈએ લેવાયેલી પરીક્ષાના મહત્વના મુદ્દાઓ પરીક્ષા પહેલાં જ વોટ્સએપ પર વાયરલ થયા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવતા સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી છે.

પ્રાથમિક માહિતી મુજબ સોશિયલ મીડિયા પર પરીક્ષા પહેલાં વાયરલ થયેલા મુદ્દાઓ અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ર્નો વચ્ચે નોંધપાત્ર સમાનતા જોવા મળતાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણવિદોમાં અનેક સવાલો ઉભા થયા છે. ચર્ચા એવી પણ છે કે પ્રશ્ર્નપત્રના કુલ 12 મહત્વના મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ વાયરલ થયેલા મેસેજ સાથે મેળ ખાતા હોવાનું સામે આવ્યું છે. જોકે આ દાવાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.આ સમગ્ર મામલે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક એચ.પી. ઝાલાએ જણાવ્યું હતું કે 20 જુલાઈએ સવારે યોજાયેલી શલ્ય તંત્ર-1ની પરીક્ષા નિર્ધારિત સમય મુજબ પૂર્ણ થઈ હતી. ત્યારબાદ સાંજના સમયે મોબાઇલ મારફતે માહિતી મળી કે પરીક્ષા પહેલાં કેટલાક મહત્વના મુદ્દાઓ વોટ્સએપ પર ફરતા હતા. આ માહિતી મળતા જ યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું હતું. કુલપતિ સાથે ચર્ચા કર્યા બાદ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે વિશેષ તપાસ સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિ વાયરલ થયેલા મેસેજ, પ્રશ્નપત્ર અને અન્ય તમામ તથ્યોની તપાસ કરીને પોતાનો અહેવાલ રજૂ કરશે.યુનિવર્સિટી તંત્રનું કહેવું છે કે, હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. તપાસ પૂર્ણ થયા બાદ જો કોઈ પણ વ્યક્તિની સંડોવણી સામે આવશે અથવા નિયમભંગ થયો હોવાનું સાબિત થશે તો યુનિવર્સિટીના નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડશે તો સંબંધિત પરીક્ષા અંગે પણ નિયમો મુજબ નિર્ણય લેવામાં આવશે. હાલ યુનિવર્સિટી સાથે સંલગ્ન આશરે 20થી 25 કોલેજોના વિદ્યાર્થીઓની અન્ય વિષયોની પરીક્ષાઓ પૂર્વનિયોજિત કાર્યક્રમ મુજબ ચાલુ રાખવામાં આવી છે. જેમા રાજ્યના અંદાજે 2000 જેટલા વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.આ ઘટનાએ ફરી એક વખત પરીક્ષા વ્યવસ્થાની પારદર્શિતા અને સુરક્ષા અંગે પ્રશ્ર્નો ઉભા કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં વિવિધ ભરતી પરીક્ષાઓ તેમજ શૈક્ષણિક પરીક્ષાઓમાં પેપરલીકના અનેક બનાવો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે કડક કાયદો પણ અમલમાં મૂક્યો છે. તેમ છતાં હવે રાજ્યની પ્રતિષ્ઠિત આયુર્વેદ યુનિવર્સિટીનું નામ પણ આવા વિવાદ સાથે જોડાતા પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.હવે સૌની નજર યુનિવર્સિટી દ્વારા રચાયેલી તપાસ સમિતિના અહેવાલ પર છે. સમિતિના તારણો બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તે નક્કી થશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande