


- ગ્રામજનો, પોલીસ અને સર્વ સમાજ સેનાના માધ્યમથી ફરીથી મંદિર ખોલવામાં આવ્યું હતું
ભરૂચ, 27 જુલાઈ (હિ.સ.) : અંકલેશ્વરના દઢાલ ગામમાંથી પ્રાચીન મહાદેવ મંદિરને લઈને સર્જાયેલા વિવાદ બાદ આખરે મંદિર ભક્તો માટે ફરીથી ખુલ્લું મુકવામાં આવ્યું છે.
દિકરીઓના ગૌરીવ્રતની શરૂઆતના અવસરે દઢાલ ગામના પ્રાચીન મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કરવા મોટી સંખ્યામાં દિકરીઓ અને ગામજનો પહોંચ્યા હતા. પરંતુ મંદિર પર તાળું મારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેમાં તાળું મારનાર વ્યક્તિએ મંદિર પોતાની માલિકીની તેમજ ટ્રસ્ટની જમીન પર હોવાનું કારણ દર્શાવ્યું હતું. આ ઘટનાથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. ગામના આગેવાનોએ સંબંધિત વ્યક્તિનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સ્થળ પર હાજર રહ્યા નહોતા.બાદમાં સર્વ સમાજ સેના જિલ્લા પ્રમુખ મેહુલ પટેલ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
પોલીસની હાજરીમાં ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગામજનો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ સર્વ સંમતિથી મંદિરનું તાળું તોડી મંદિર ભક્તો માટે ખુલ્લું મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો.ત્યારબાદ ગૌરીવ્રત નિમિત્તે દિકરીઓએ ભગવાન મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.ધર્મસ્થળો લોકોની આસ્થાનું કેન્દ્ર હોય છે. આવા મુદ્દાઓમાં શાંતિ, સૌહાર્દ અને કાયદેસરની પ્રક્રિયા દ્વારા ઉકેલ લાવવો જરૂરી હોવાનું પણ સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ