
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : ઊંઝા તાલુકાના કહોડા ગામે 'બાબારી મિત્ર મંડળ' દ્વારા આયોજિત રામદેવપીર સેવાકેમ્પનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાબા રામદેવજીના દર્શન કરી મહેમાનોએ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ઉદ્ઘાટન પ્રસંગે ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરતજી ઠાકોર, ઊંઝા તાલુકા ભાજપ મહામંત્રી યોગેશ પટેલ અને રાહુલજી ઠાકોર, ભાજપ ઉપપ્રમુખ રાજદીપ પટેલ તેમજ મંત્રી જગદીશ પટેલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ 'બાબારી મિત્ર મંડળ' દ્વારા સમાજહિતમાં કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવા સેવાકેમ્પો ધાર્મિક આસ્થાની સાથે સમાજસેવાનો ઉત્તમ સંદેશ આપે છે અને લોકોમાં સેવા તથા સહકારની ભાવના મજબૂત બનાવે છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો અને ભાવિકો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આયોજકોએ ઉપસ્થિત તમામ મહેમાનો અને ભાવિકોનો આભાર વ્યક્ત કરી સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવા માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR