
સુરત, 27 જુલાઈ (હિ.સ.) : સુરતના પાલ વિસ્તારમાં આવેલી એસએમસી આવાસમાં રહેતી અને વેસુ રોડ પર આવેલી એસ.ડી. જૈન કોલેજમાં બી.કોમના બીજા વર્ષની વિદ્યાર્થીની કાજલ યાદવે પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પરિવારના જણાવ્યા મુજબ, ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે ઝારખંડમાં રહેતી માતાનો ફોન આવતા ભત્રીજો કાજલને બોલાવવા તેના રૂમમાં ગયો હતો. ત્યાં કાજલ દુપટ્ટાની મદદથી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે કાજલને કાનની તકલીફ માટે ખાનગી હોસ્પિટલમાં બતાવવામાં આવ્યું હતું અને ડોક્ટરે ઓપરેશન કરવાની સલાહ આપી હતી. શરૂઆતમાં પોલીસે ઓપરેશનના ડર અને માનસિક તણાવને કારણે યુવતીએ આ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. તપાસના ભાગરૂપે તેનો મોબાઇલ ફોન કબજે લઈ ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે.
જોકે, મૃતકના કાકાએ સમગ્ર ઘટનામાં સાયબર બ્લેકમેલિંગની સંભાવના વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, અજાણ્યા વ્યક્તિએ વોટ્સએપ મારફતે ફેક આઈડી બનાવી યુવતીનો અંગત ડેટા જાહેર કરવાની ધમકી આપી હતી અને તેને સતત હેરાન કરવામાં આવતી હતી. પરિવારના આક્ષેપો બાદ પાલ પોલીસે વોટ્સએપ ચેટ, સ્ક્રીનશોટ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે સાયબર સેલની મદદથી તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે તમામ નિવેદનો અને ફોરેન્સિક રિપોર્ટના આધારે જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે