
પાટણ, 28 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભૂતીયાવાસણા ગામના ખેડૂત દિનેશભાઈ કુબેરભાઈ ચૌધરી સાથે પર્સનલ ફાઇનાન્સ લોન અપાવવાની લાલચ આપી અંદાજે ₹90 લાખની કિંમતની 3.26 હેક્ટર જમીનનો ખોટો વેચાણ દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
પત્નીની કેન્સરની સારવાર માટે ખેડૂતને ₹4 લાખની જરૂર હોવાથી તેમણે જમીન ગીરવે મૂકી લોન લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પાટણના બાબુભાઈ ઉર્ફે મોદી નાનુભાઈ ભરવાડ અને લાભુભાઈ અમૃતભાઈ દેસાઈએ લોન અપાવવાની ખાતરી આપી આધારકાર્ડ, જમીનના દસ્તાવેજો મેળવી વિવિધ કાગળો પર સહીઓ કરાવી હતી.
પછી ખેડૂતને સરસ્વતી મામલતદાર કચેરી બોલાવી લોનની સરકારી પ્રક્રિયાના બહાને દશરથજી ઠાકોર, હિતેશજી ઠાકોર અને અનિલજી ઠાકોરની હાજરીમાં જમીનના વેચાણ દસ્તાવેજ સહિતના કાગળો પર સહીઓ કરાવી લેવામાં આવી હતી.
આરોપીઓએ બાદમાં ચાણસ્મા કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકમાંથી ખેડૂત પાસે ₹20.50 લાખના બેરર ચેક વટાવડાવ્યા હતા. ખેડૂતને માત્ર ₹3.50 લાખ આપીને બાકીની રકમ પોતાની પાસે રાખી લીધી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ