
મોરબી/અમદાવાદ, 01 ઓગસ્ટ (હિ.સ.) : ગઈકાલ રાતથી ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મચ્છુ 2 ડેમમાં પાણીની આવક સતત વધી રહી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ દ્વારા ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો હતો.
આજે બપોરે 2 વાગ્યે મોરબીના મચ્છુ 2 ડેમના 10 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 64 હજારથી વધુ ક્યુસેક પાણીની સતત આવક સામે આ પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ પગલા પહેલા મોરબી અને માળિયા તાલુકાના કુલ 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, હાલમાં ડેમમાં 64 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. પાણીની આ આવકને નિયંત્રિત કરવા અને નદીમાં પાણી છોડવા માટે 10 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
ડેમના દરવાજા ખોલતા પહેલા મોરબી અને માળિયા તાલુકાના 29 ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા. લોકોને મચ્છુ નદીના પટવિસ્તારમાં અવરજવર ન કરવા અને માલધારીઓને તેમના પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો હતો. ત્યારે ડેમમાં માત્ર 40 ટકા જળ જથ્થો હતો, જે એક જ દિવસમાં 60 ટકા વધીને ડેમ છલકાયો હતો. તે સમયે પણ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારબાદ પાણીની આવક ઘટતા દરવાજા બંધ કરાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ