
નવસારી, 01 ઓગસ્ટ (હિ.સ.) : નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિથી પ્રભાવિત પરિવારો માટે બનાવવામાં આવેલા શેલ્ટર હોમની કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે મુલાકાત લીધી હતી. તેમણે આશ્રયસ્થાને રહેતા પૂરપીડિત પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સ્થિતિ જાણી હતી તેમજ તેમની સમસ્યાઓ સાંભળી જરૂરી સહાય અને તમામ રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.
મુલાકાત દરમિયાન સી.આર. પાટીલે શેલ્ટર હોમમાં ભોજન, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ સહિતની ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને અસરગ્રસ્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને જરૂરી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
આ પ્રસંગે સી.આર. પાટીલે 'સેવા હી સંગઠન' અભિયાન અંતર્ગત પૂરગ્રસ્તોની મદદ માટે દિવસ-રાત કાર્યરત ભાજપના કાર્યકરોના સેવાભાવની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપત્તિના સમયમાં નિઃસ્વાર્થ સેવા એ જ સાચી માનવતા છે. કાર્યકરો ભોજન, તબીબી સહાય અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ અસરગ્રસ્તો સુધી પહોંચાડવા માટે સતત કાર્ય કરી રહ્યા છે, જે સેવા હી સંગઠનની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ મુલાકાત દરમિયાન રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ સહિત સ્થાનિક હોદ્દેદારો, અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે