
- બિલોઠી બેઠક પર સરેરાશ 80.40 ટકા મતદાન નોંધાયું
- જુલાઈ 30 તારીખને ગુરુવારે નેત્રંગ ખાતે યોજાશે મતગણતરી
ભરૂચ, 28 જુલાઈ (હિ.સ.) ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળી છે. ચૂંટણીમાં કુલ 80.40 ટકા મતદાન નોંધાયું છે. હવે તમામની નજર આગામી 30 જુલાઈએ યોજાનારી મતગણતરી અને પરિણામ પર છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર અગાઉ આમ આદમી પાર્ટીના વિજેતા સભ્યના આકસ્મિક અવસાન બાદ બેઠક ખાલી પડતાં પેટાચૂંટણી યોજવામાં આવી હતી.
આ ચૂંટણીમાં ભાજપના કાંતિલાલ વસાવા, આમ આદમી પાર્ટીના પ્રવીણ વસાવા અને કોંગ્રેસના રણજીત વસાવા વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. કુલ 5154 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ત્રણેય ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ કર્યું હતું. સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો.ચૂંટણીમાં કુલ 80.40 ટકા મતદાન નોંધાયું છે, જે મતદારોનો લોકશાહી પ્રત્યેનો ઉત્સાહને દર્શાવે છે.
હવે 30 જુલાઈએ યોજાનારી મતગણતરી બાદ બિલોઠી બેઠકનું પરિણામ તાલુકા પંચાયતના સત્તા સમીકરણ માટે નિર્ણાયક બનશે. જો ભાજપનો ઉમેદવાર વિજયી થશે તો ભાજપને 9 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળશે. જો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતશે તો ભાજપ અને આપ બંનેના 8-8 સભ્યો થતાં ફરી સત્તા માટે રસાકસી સર્જાઈ શકે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારની જીતની સ્થિતિમાં તાલુકા પંચાયતમાં નવા રાજકીય સમીકરણો અને જોડતોડની રાજનીતિ જોવા મળી શકે છે.
હાલ મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે અને હવે સૌની નજર 30 જુલાઈના પરિણામ પર મંડાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ