
ગીર સોમનાથ 28 જુલાઈ (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્યભરમાં 'નારી વંદન સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આગામી તા. ૧ થી ૮ ઓગસ્ટ ૨૦૨૬ સુધી વિવિધ કાર્યક્રમો થકી 'નારી વંદન ઉત્સવ' ની ઉજવણી કરવામાં આવશે.
કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સપ્તાહ દરમિયાન તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા. ૩ ઓગસ્ટે બેટી બચાવો, બેટી પઢાવો દિવસ, તા. ૪ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ, તા. ૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, તા. ૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, તા. ૭ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ અને તા. ૮ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ ઉજવણીમાં પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, જિલ્લા તથા તાલુકા કાનૂની સેવા સત્તામંડળ, સુરક્ષા સેતુ ટીમ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, વિવિધ બેંકો, રોજગાર અને તાલીમ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શ્રમ અને રોજગાર વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ તેમજ બાળ સુરક્ષા એકમ સહિતના વિવિધ વિભાગો સહભાગી બનશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બને તેમજ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પાસાઓ જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ, આરોગ્ય અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ