
જામનગર, 28 જુલાઈ (હિ.સ.) જામનગર-ખંભાળિયા હાઇવે પર મેઘપર ગામે બાપા સીતારામ મોબાઇલની સામે હિટ એન્ડ રનની ઘટનામાં લક્ઝરી બસની હડફેટે બિહારના મૂળ વતની અને હાલ લાલપુર તાલુકાના જોગવડ રામદૂતનગરમાં રહેતા સંટુ કે.આર. સિંઘનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ છોટુકુમાર લાલબાબુ સિંઘની ફરિયાદના આધારે બસચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, સંટુ સિંઘ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને જોગવડ રામદૂતનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. 26 જુલાઈની રાત્રે આશરે સાડા દસ વાગ્યે મેઘપર ગામે બાપા સીતારામ મોબાઇલની સામે જામનગર-ખંભાળિયા હાઇવે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ખંભાળિયાથી જામનગર તરફ જઈ રહેલી બસ ના ચાલકે બસને પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી તેને અડફેટે લીધો હતો. અકસ્માતમાં સંટુ સિંઘને માથાના ભાગે ગંભીર ઇજા સહિત શરીરે અન્ય ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન 27 જુલાઈની વહેલી સવારે તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભાઈ છોટુકુમાર લાલબાબુ સિંઘે બસચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt