ઉમરાળા ગ્રામ પંચાયતનો માનવતાભર્યો નિર્ણય: જરૂરિયાતમંદ પરિવારોને અંત્યેષ્ટિ માટે ₹10 હજારની મરણેતર સહાય
ભાવનગર, 28 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના ઉમરાળા ગ્રામ પંચાયતે ગામના જરૂરિયાતમંદ પરિવારોને મુશ્કેલીના સમયમાં આર્થિક સહારો મળે તે માટે માનવતાભર્યો અને લોકકલ્યાણકારી નિર્ણય લીધો છે. હવે ગામના કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિના અવસાન બાદ તેમના પરિવારને અંત્યેષ
ઉમરાળા ગામ


ભાવનગર, 28 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના ઉમરાળા ગ્રામ પંચાયતે ગામના જરૂરિયાતમંદ પરિવારોને મુશ્કેલીના સમયમાં આર્થિક સહારો મળે તે માટે માનવતાભર્યો અને લોકકલ્યાણકારી નિર્ણય લીધો છે. હવે ગામના કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિના અવસાન બાદ તેમના પરિવારને અંત્યેષ્ટિ વિધિ માટે ગ્રામ પંચાયત દ્વારા ₹10,000ની મરણેતર સહાય આપવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ દુઃખની ઘડીમાં પરિવારો પર પડતા અચાનક આર્થિક બોજને હળવો કરવાનો છે.

ગ્રામ પંચાયતના જણાવ્યા અનુસાર, આ સહાયનો લાભ માત્ર ઉમરાળા ગામના વતની અને જરૂરિયાતમંદ પરિવારોને જ મળશે. સહાયની સંપૂર્ણ રકમ ગ્રામ પંચાયત પોતાના ભંડોળમાંથી ચૂકવશે. સહાય મેળવવા માટે મૃત્યુ પામનાર વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર ગ્રામ પંચાયત કચેરીમાં રજૂ કરવું ફરજિયાત રહેશે. જરૂરી ચકાસણી પૂર્ણ થયા બાદ લાભાર્થી પરિવારને ચેક મારફતે ₹10,000ની સહાય આપવામાં આવશે.

અંત્યેષ્ટિ જેવી વિધિ દરમિયાન ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારો માટે ખર્ચ ઉપાડવો મુશ્કેલ બનતો હોય છે. આવી સ્થિતિમાં ગ્રામ પંચાયતની આ યોજના જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ નિર્ણયથી ગામમાં સામાજિક સુરક્ષા, સહભાગિતા અને માનવતાની ભાવના વધુ મજબૂત બનશે.

ગામના લોકોએ ગ્રામ પંચાયતના આ નિર્ણયને આવકારી તેને લોકહિતનું ઉત્તમ પગલું ગણાવ્યું છે. પારદર્શિતા જળવાઈ રહે તે માટે સહાયની રકમ સીધી ચેક દ્વારા ચૂકવવામાં આવશે. વધુ માહિતી માટે ઉમરાળા ગ્રામ પંચાયતના હેલ્પલાઇન નંબર 7778800087 પર સંપર્ક કરી શકાય છે. ગ્રામ્ય સ્તરે માનવસેવા અને સામાજિક જવાબદારીનું આ એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande