
બોટાદ, 28 જુલાઈ (હિ.સ.)બોટાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ટાટમના પેટા કેન્દ્ર સાળંગપરડા હેઠળ આવેલા મેઘવડીયા ગામમાં ચાંદીપુરા વાયરસ તેમજ વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ ઘર-ઘર મુલાકાત લઈ લોકોના આરોગ્યની તપાસ કરી તેમજ તાવ, શરદી, ઉલટી, ઝાડા સહિતના રોગલક્ષણો અંગે માહિતી એકત્રિત કરી હતી.
આ ઉપરાંત ગામમાં H-T-H (હાઇ ટેસ્ટ હાઇપોક્લોરાઇટ) દ્વારા પીવાના પાણીના સ્ત્રોતોનું ક્લોરિનેશન કરવામાં આવ્યું હતું, જેથી પાણીજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા ઘટે. ગ્રામજનોને શુદ્ધ અને ઉકાળેલું પાણી પીવા, આસપાસ સ્વચ્છતા જાળવવા તેમજ પાણીનો સંગ્રહ ખુલ્લો ન રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
IEC (Information, Education and Communication) પ્રવૃત્તિ અંતર્ગત આરોગ્ય ટીમે ચાંદીપુરા વાયરસ, ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય વાહકજન્ય રોગોથી બચવા માટેના ઉપાયો અંગે લોકોને માહિતગાર કર્યા હતા. મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે પાણી ભરાઈ ન રહે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ બાળકોના આરોગ્ય પર વિશેષ ધ્યાન રાખવા અને કોઈપણ શંકાસ્પદ લક્ષણ જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.
આ કામગીરીનો મુખ્ય હેતુ ગામમાં રોગચાળો ફેલાતો અટકાવવાનો, સમયસર સર્વેલન્સ દ્વારા સંભવિત દર્દીઓને ઓળખવાનો અને જનજાગૃતિ દ્વારા લોકોમાં આરોગ્ય પ્રત્યે સાવચેતીનો સંદેશ પહોંચાડવાનો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ સતત દેખરેખ અને જરૂરી નિવારક કામગીરી ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA