
સુરત, 28 જુલાઈ (હિ.સ.) સુરત જિલ્લા પંચાયતની ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિની પ્રથમ બેઠક મતિ સુનિતા ગુલાબભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતના સ્વ-ભંડોળની ખેતીવાડી, પશુપાલન અને સિંચાઇ શાખાની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના નીતિનિયમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં સમિતિના અધ્યક્ષ દ્વારા જિલ્લા પંચાયતની તમામ યોજનાઓનો લાભ છેવાડાના અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચે તે રીતે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા આહવાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વિશેષરૂપે ચોમાસાની ઋતુ દરમ્યાન મહત્તમ જળસંચયના કામો થાય તે મુજબ આયોજનબદ્ધ કામગીરી કરવા માટે સિંચાઇના કાર્યપાલક ઇજનેર ડી.આર. પટેલને ખાસ દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સમિતિના સચિવ અને જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામિત દ્વારા સમિતિના તમામ નવનિયુક્ત સભ્યઓને ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિની કામગીરી તેમજ જવાબદારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
બેઠકના અંતે સમિતિના અધ્યક્ષ મતિ સુનિતા ગુલાબભાઇ વસાવા દ્વારા સુરત જિલ્લાના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ પરસ્પર ઉત્કૃષ્ટ સમન્વય દાખવી શ્રેષ્ઠ કામગીરી કરે અને સુરત જિલ્લાનું નામ રોશન થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે