ભુવડની ઝાડીઓમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો: અંજાર પોલીસની ત્રાટકતી કાર્યવાહીમાં એક આરોપી ઝડપાયો, વધુ ત્રણની શોધખોળ શરૂ
કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) : અંજાર તાલુકાના ભુવડ ગામની સીમમાં પ્રોહિબિશન કાયદાના અમલ માટે અંજાર પોલીસે હાથ ધરેલી સુનિયોજિત કાર્યવાહીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલી આ રેઇડ દરમિયાન એક આરોપીની ધરપકડ
ભુવડ ખાતેથી પકડાયેલ મુદ્દામાલ સાથે આરોપી


કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) : અંજાર તાલુકાના ભુવડ ગામની સીમમાં પ્રોહિબિશન કાયદાના અમલ માટે અંજાર પોલીસે હાથ ધરેલી સુનિયોજિત કાર્યવાહીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલી આ રેઇડ દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂના સપ્લાય અને ખરીદી સાથે સંકળાયેલા અન્ય ત્રણ શખ્સોની શોધખોળ તેજ કરવામાં આવી છે.

સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. તેના અનુસંધાને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાની ટીમ સતત બાતમીદારો મારફતે શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી રહી હતી.

દરમિયાન મળેલી ચોક્કસ માહિતી મુજબ ભુવડ ગામ નજીક મધુબન આઈમાતા હોટેલ પાછળ બાવળની ઝાડીઓ વચ્ચે આવેલા ખાડામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હોવાની જાણ થતાં પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 372 બોટલો મળી આવી હતી. અંદાજે રૂ. 2.65 લાખથી વધુ કિંમતનો આ જથ્થો કબ્જે લેવામાં આવ્યો હતો.

આ કાર્યવાહીમાં ભુવડના રહેવાસી 24 વર્ષીય કિશન ગોવિંદભાઈ પરમારની ધરપકડ કરી તેની સામે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો અન્ય વ્યક્તિ પાસેથી લાવવામાં આવ્યો હોવાનું તેમજ અંજારના એક વ્યક્તિ માટે મંગાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. વાળા તથા અંજાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી બજાવી હતી. જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે પોલીસનો કડક અભિગમ યથાવત રહેવાનો સંદેશ આ કાર્યવાહીએ વધુ એક વખત સ્પષ્ટ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande