એક જ દિવસમાં 7.83 લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ: ડીપીએ કંડલાએ ફરી સર્જ્યો રાષ્ટ્રીય વિક્રમ
કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) દેશના અગ્રણી બંદરોમાં સ્થાન ધરાવતું દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડીપીએ), કંડલાએ ફરી એકવાર પોતાની કાર્યક્ષમતા અને આધુનિક બંદર વ્યવસ્થાપનનો પરિચય આપતાં નવો રાષ્ટ્રીય વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. 26 જુલાઈ, 2026ના રોજ ડીપીએ કંડ
કંડલા પોર્ટ કાર્ગો હેન્ડલિંગ રેકોર્ડ


કંડલા પોર્ટ કાર્ગો હેન્ડલિંગ રેકોર્ડ


કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) દેશના અગ્રણી બંદરોમાં સ્થાન ધરાવતું દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડીપીએ), કંડલાએ ફરી એકવાર પોતાની કાર્યક્ષમતા અને આધુનિક બંદર વ્યવસ્થાપનનો પરિચય આપતાં નવો રાષ્ટ્રીય વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. 26 જુલાઈ, 2026ના રોજ ડીપીએ કંડલાએ માત્ર 24 કલાકમાં કુલ 7,83,816 મેટ્રિક ટન કાર્ગોનું હેન્ડલિંગ કરીને અગાઉનો પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નવો ઈતિહાસ રચ્યો છે. આ પહેલાં 17 જૂન, 2026ના રોજ નોંધાયેલ 7,78,570 મેટ્રિક ટનના એક દિવસના કાર્ગો હેન્ડલિંગનો રેકોર્ડ હવે પાછળ રહી ગયો છે.

આ સિદ્ધિ સાથે ડીપીએના વડિનાર સ્થિત ઓફશોર ઓઈલ ટર્મિનલે પણ નોંધપાત્ર સફળતા મેળવી છે. ટર્મિનલે એક જ દિવસમાં 5,09,101 મેટ્રિક ટન પ્રવાહી કાર્ગોનું સંચાલન કરીને પોતાનો અગાઉનો 5,07,397 મેટ્રિક ટનનો 24 કલાકનો રેકોર્ડ તોડી નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. આ કામગીરી દરમિયાન 2,55,557 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ, 40,534 મેટ્રિક ટન પેટ્રોલિયમ ઉત્પાદનો (POL) અને 2,13,010 મેટ્રિક ટન લાઇટ પેટ્રોલિયમ ઓઈલ (LPO)નું સફળતાપૂર્વક હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું.

ડીપીએ કંડલાની આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર આંકડાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ બંદરની સુવ્યવસ્થિત કામગીરી, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઝડપી લોજિસ્ટિક્સ વ્યવસ્થા અને તમામ હિતધારકો વચ્ચેના ઉત્તમ સંકલનનું જીવંત ઉદાહરણ છે. સતત વધતી કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ડીપીએને દેશના સૌથી કાર્યક્ષમ અને વિશ્વસનીય બંદરોમાં વધુ મજબૂત સ્થાન અપાવવામાં મદદરૂપ બની રહી છે.

આ અવસરે ડીપીએના ચેરમેન સુશીલ કુમાર સિંહ (IRSME)એ આ સિદ્ધિ બદલ તમામ હિતધારકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે બંદર વપરાશકર્તાઓ, નિકાસકારો, આયાતકારો, શિપિંગ લાઈન્સ, વહાણ એજન્ટો, સ્ટીવેડોરો, કસ્ટમ હાઉસ એજન્ટો, ટર્મિનલ ઓપરેટરો, વેપારી સંસ્થાઓ, ટ્રક ચાલકો, ડીપીએના અધિકારીઓ, કર્મચારીઓ, શ્રમિકો તથા સમગ્ર પોર્ટ પરિવારે દર્શાવેલી પ્રતિબદ્ધતા અને ટીમવર્કના કારણે જ આ ઐતિહાસિક સિદ્ધિ શક્ય બની છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં પણ ડીપીએ કંડલા નવા કીર્તિમાન સ્થાપિત કરીને દેશના બંદર વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતું રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande