તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ દુધઈ પોલીસની સરાહનીય કામગીરી, ચોરીનો માલ અને ₹4 લાખની રોકડ મૂળ માલિકોને પરત આપી વિશ્વાસ જીત્યો
કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) :પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સંબંધ વધુ મજબૂત બને તેવા હેતુથી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ચાલી રહેલા ''તેરા તુજકો અર્પણ'' અભિયાન હેઠળ દુધઈ પોલીસ સ્ટેશને વધુ એક નોંધપાત્ર કામગીરી કરીને ઘરફોડ ચોરી અને છેતરપિંડીના ગુનાઓમાં કબજે
તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ દુધઈ પોલીસની સરાહનીય કામગીરી


તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ દુધઈ પોલીસની સરાહનીય કામગીરી


કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) :પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સંબંધ વધુ મજબૂત બને તેવા હેતુથી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ચાલી રહેલા 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ દુધઈ પોલીસ સ્ટેશને વધુ એક નોંધપાત્ર કામગીરી કરીને ઘરફોડ ચોરી અને છેતરપિંડીના ગુનાઓમાં કબજે કરાયેલ મુદ્દામાલ તેના હકદાર માલિકોને પરત સોંપ્યો છે. આ કામગીરીને કારણે પીડિતોને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્ત થઈ હતી અને પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તેમજ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ અને નાગરિકો વચ્ચે સુમેળ વધે તથા ગુનાનો ભોગ બનેલા લોકોને ઝડપી રાહત મળે તેવા હેતુથી આ પ્રકારની લોકહિતની કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ સૂચનાઓના અનુસંધાને દુધઈ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.બી. ડોડીયાના માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરીના ગુનાની તપાસ દરમિયાન કબજે કરાયેલા અંદાજે 90 કિલોગ્રામ વજનના ડબલ કેબલ વાયર, જેની કિંમત રૂ. 63 હજાર જેટલી થાય છે, તે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને ફરિયાદીને પરત આપવામાં આવ્યા હતા. ઉપરાંત છેતરપિંડીના એક ગુનામાં જપ્ત કરાયેલી રૂ. 4 લાખની રોકડ રકમ પણ સંબંધિત ફરિયાદીને પરત સોંપવામાં આવી હતી.

પોતાનો કિંમતી માલસામાન અને રોકડ રકમ પરત મળતાં ફરિયાદીઓએ દુધઈ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુનાનો ભોગ બનેલા લોકો માટે માત્ર આરોપીની ધરપકડ જ નહીં, પરંતુ ગુમાવેલો મુદ્દામાલ પરત મેળવવો પણ એટલો જ મહત્વનો હોય છે. આ કામગીરીએ તે વાતને વધુ એક વખત સાબિત કરી છે.

સમગ્ર કાર્યવાહી દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.બી. ડોડીયા તથા તેમની ટીમના સંકલિત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અમલમાં મુકાયેલા આવા લોકકેન્દ્રિત અભિયાનો પોલીસ અને સમાજ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande